Coronavirus Update: 136 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 4.10 લાખની નીચે

05 December, 2020 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Update: 136 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 4.10 લાખની નીચે

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 36,652 નવા કોવિડ-19 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે, તેમ જ 512 લોકોએ આ મહામારીથી પોતાનો જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક 1,39,700 થયો છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,09,689 છે. 136 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 4.10 લાખની નીચે ગઈ છે, એમ આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5,229 કેસ સામે આવ્યા છે, તેમ જ 127 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તેમ જ 6,776 દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે. આમ રાજ્યમાં કુલ કેસ 18,42,587 છે, કુલ રિકવર થયેલા કેસની સંખ્યા 17,10,050 અને કુલ મૃત્યુઆંક 47,599 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 83,859 છે.

મુંબઈમાં કુલ કોરોના કોવિડ-19 પૉઝિટિવ કેસ 2,84,509, રિકવર થયેલા કેસની સંખ્યા 2,58,992 અને કુલ મૃત્યુઆંક 10,945 છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 13,754 છે.

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોની સંખ્યા તો વધી જ છે. સાથે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. ગઈકાલે 1540 કેસ સપાટી પર આવ્યા હતા અને 13 દર્દીના મોત થયા હતા આજે પણ 1500થી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1510 કેસો નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાંથી એકલા અમદાવાદમાં 13 દર્દીઓનો વાયરસે ભોગ લીધો છે. જોકે આજે 1627 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.

national news coronavirus covid19