West Asia War: "મુશ્કેલ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલી શકે..." PM મોદીએ કહ્યું

23 March, 2026 04:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તેમણે સ્વીકાર્યું કે ઉનાળાની ઋતુ દરમિયાન વીજળીની માગ વધવાની ધારણા છે, પરંતુ તેમણે ખાતરી આપી કે દેશભરના તમામ પાવર પ્લાન્ટમાં પૂરતો કોલસો ઉપલબ્ધ છે. સતત બીજા વર્ષે, ભારતે 1 અબજ ટનથી વધુ કોલસાનું ઉત્પાદન કરીને રેકોર્ડ બનાવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં નિવેદન આપ્યું (તસવીર: X)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષ અને તેની ભારત પરની અસર અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતથી જ, ભારતે આ સંઘર્ષ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તમામ સંબંધિત પક્ષોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે.

પશ્ચિમ એશિયા કટોકટીથી ભારતમાં ચિંતા

PM મોદીએ નોંધ્યું હતું કે આ સંઘર્ષ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે, જેની વૈશ્વિક અર્થતંત્ર, વેપાર અને લોકોના જીવન પર અસર પડી રહી છે. તેમણે માહિતી આપી હતી કે હરદીપ સિંહ પુરી અને એસ. જયશંકરે સંસદને પરિસ્થિતિ વિશે પહેલાથી જ માહિતી આપી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારત સતત રાજદ્વારી પ્રયાસોમાં રોકાયેલું છે.

ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ

વડા પ્રધાને ભાર મૂક્યો હતો કે પશ્ચિમ એશિયા વેપાર, ઊર્જા અને તેના નાગરિકોની દ્રષ્ટિએ ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે આશરે 10 મિલિયન ભારતીયો આ ક્ષેત્રમાં રહે છે અને કામ કરે છે. વધુમાં, ભારતના ક્રૂડ તેલ અને ગૅસ પુરવઠાનો નોંધપાત્ર હિસ્સો આ પ્રદેશમાંથી આવે છે. હોર્મુઝ સ્ટ્રેટનો ઉલ્લેખ કરતા, તેમણે નોંધ્યું હતું કે આ વિસ્તારમાં શિપિંગ કામકાજ ખોરવાઈ ગયું છે જે ચિંતાનો વિષય.

ઊર્જા અને માળખાગત સુવિધાઓની તૈયારી

વડા પ્રધાને જણાવ્યું કે છેલ્લા 11 વર્ષોમાં, ઇથેનોલ મિશ્રણ આશરે 20 ટકા સુધી પહોંચી ગયું છે, જેના પરિણામે તેલની આયાતમાં વાર્ષિક 45 મિલિયન બૅરલનો ઘટાડો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે રેલવેના વીજળીકરણ અને મેટ્રો નેટવર્કના વિસ્તરણથી પણ ઊર્જા સંરક્ષણમાં ફાળો મળ્યો છે.

વીજળી અને કોલસાની સ્થિતિ

તેમણે સ્વીકાર્યું કે ઉનાળાની ઋતુ દરમિયાન વીજળીની માગ વધવાની ધારણા છે, પરંતુ તેમણે ખાતરી આપી કે દેશભરના તમામ પાવર પ્લાન્ટમાં પૂરતો કોલસો ઉપલબ્ધ છે. સતત બીજા વર્ષે, ભારતે 1 અબજ ટનથી વધુ કોલસાનું ઉત્પાદન કરીને રેકોર્ડ બનાવ્યો છે.

ખાદ્ય સુરક્ષા અને ખેતી

પીએમ મોદીએ ખાતરી આપી કે દેશમાં ખાદ્ય અનાજનો પૂરતો ભંડાર છે અને સરકાર આગામી ખરીફ વાવણીની ઋતુ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખાતરોનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે.

ભારતીઓની સલામતી અને વતન વાપસી

લોકસભામાં બોલતા મોદીએ માહિતી આપી કે, આજ સુધીમાં, 3,75,000 થી વધુ ભારતીયો સુરક્ષિત રીતે પરત ફર્યા છે. આશરે 1,000 ભારતીયો ઈરાનથી પાછા ફર્યા છે, જેમાં 700 થી વધુ મૅડિકલ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સરકારે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ચોવીસ કલાક હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમ સ્થાપ્યા છે.

ઉર્જા પુરવઠો અને LPG કટોકટી

તેમણે જણાવ્યું હતું કે ભારત તેની LPG જરૂરિયાતોના 60 ટકા આયાત કરે છે; પરિણામે, સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સરકારે સંગ્રહખોરી અને કાળાબજાર સામે સતર્ક રહેવાની અપીલ કરી છે.

રાષ્ટ્રીય સુરક્ષા અને તકેદારી

મોદીએ એવું જણાવ્યું હતું કે દરિયાકાંઠા, સરહદ અને સાયબર સુરક્ષા એજન્સીઓને સતર્ક રાખવામાં આવી છે. જનતાને અફવાઓથી દૂર રહેવા અને એકતા જાળવવા અપીલ કરતા, તેમણે ખાતરી આપી હતી કે સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

narendra modi national news new delhi Lok Sabha iran israel united states of america crude oil oil prices indian government parliament