LoC: પાકિસ્તાની સેના દ્વારા 4 સેકટરમાં ફાયરિંગ

13 November, 2020 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

LoC: પાકિસ્તાની સેના દ્વારા 4 સેકટરમાં ફાયરિંગ

LOC નજીકનો વિસ્તાર

પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં લાઈન ઑફ કંટ્રોલ (LOC) પાસે ચાર સેક્ટર્સમાં ફાયરિંગ કર્યું છે. જેમાં બે જવાન શહીદ થઈ ગયા હતા અને ચાર નાગરિકોના પણ મોત થયા હતા. તેમ જ પાંચ જણ ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, તમામ સેક્ટરોમાં ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરના ઈજમર્ગમાં સીઝફાયરનું ઉલ્લંખન કર્યું હતું. તેના થોડાક સમય બાદ કુપવાડા જિલ્લામાં કેરન સેક્ટરમાં ગોળીબારી કરી હતી. આજે સતત ચોથો દિવસ છે જ્યારે પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું છે.

અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાની સેનાએ બારામુલાના ઉરી સેક્ટરમાં પણ ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. તે સિવાય પુંછ જિલ્લાના સવજીન વિસ્તારમાં પણ ગોળીબારી કરી.

અચાનક જ ફાયરિંગ શરૂ થતા શહીદ થનારા જવાનમાં બીએસએફ ઈન્સ્પેક્ટર રાકેશ ડોભાલનો પણ સમાવેશ છે. તે ગંભીરરૂપે ઘાયલ થતા તેમને અન્ય જવાનોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા નહોતા. રાકેશ ડોભાલ ઋષિકેશ ઉત્તરાખંડના રહેવાસી હતા. ઉરી સેક્ટરમાં જે સ્થાનિક નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમાં તાહિબ અહમદ મીર (36), ઈરશાદ અહમદ અને ફારૂખ બેગમનો સમાવેશ છે.

પુંછના સબ્જિયા સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું હતું, તેના મોર્ટાર સબ્જિયાના મુખ્ય બસ સ્ટેન્ડ આગળ પડ્યા હતા, જ્યાં પાંચ નાગરિકો ઘાયલ થયા હતા.  

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનાએ ગઈકાલે પણ જમ્મુ કાશ્મીરના રાજોરી અને પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે સ્થિત ચાર સેક્ટરોના સરહદી વિસ્તાર અને ચોકી પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ આ મહિનામાં અત્યાર સુધી 24 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે.

pakistan line of control national news indian army