17 December, 2023 10:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ગઈ કાલે પીએમ નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક (તસવીર : પી.ટી.આઇ)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકની સાથે ગઈ કાલે સાર્થક વાતચીત કરી હતી, જેમાં સિક્યૉરિટી, ડિફેન્સ, વેપાર અને ઇકૉનૉમી જેવાં મહત્ત્વનાં સેક્ટર્સમાં બન્ને દેશો વચ્ચે સહકાર વધારવા પર ફોકસ કરવામાં આવ્યું હતું. ઓમાનના સુલતાન તેમની રાજકીય મુલાકાત માટે શુક્રવારે દિલ્હી આવી પહોંચ્યા હતા.
પીએમ મોદી અને ઓમાનના સુલતાને તેમની વાતચીત દરમ્યાન મહત્ત્વનાં ૧૦ સેક્ટર્સમાં બન્ને દેશો વચ્ચેના સહકારને મજબૂત કરવા માટેના ઔપચારિક પ્લાન વિઝન ડૉક્યુમેન્ટને મજબૂત બનાવ્યો છે અને સાથે જ તેમણે બન્ને દેશો વચ્ચેના વેપાર કરારને શક્ય એટલા વહેલા ફાઇનલ સ્વરૂપ આપવા પર ભાર મૂક્યો હતો.
મોદી અને તારિકે હમાસ આતંકવાદી જૂથ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે સર્જાયેલી સ્થિતિ, આતંકવાદના પડકાર તેમ જ પૅલેસ્ટીનના મુદ્દે બે દેશના ઉકેલ મેળવવાની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે ‘અમે એક નવો ભારત-ઓમાન સંયુક્ત દૃષ્ટિકોણ, ભવિષ્ય માટે પાર્ટનરશિપને અપનાવી રહ્યા છીએ. ૧૦ અલગ-અલગ સેક્ટર્સમાં નક્કર સહકાર માટે સંમતિ સધાઈ છે.’