સિગારેટના છૂટક વેચાણ પર હવે મૂકવામાં આવશે પ્રતિબંધ

26 November, 2014 05:58 AM IST  | 

સિગારેટના છૂટક વેચાણ પર હવે મૂકવામાં આવશે પ્રતિબંધ



દેશમાં સિગારેટના છૂટક વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને ૨૫ વર્ષથી ઓછી વયની કોઈ પણ વ્યક્તિને ટબૅકો પ્રોડક્ટ્સનું વેચાણ કરી નહીં શકાય. આરોગ્ય મંત્રાલયે આ વિશેની એક દરખાસ્ત કૅબિનેટને સુપરત કરી છે.

આ વિશે માહિતી આપતાં આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાએ ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નિષ્ણાતોની એક સમિતિએ કરેલી ભલામણો આરોગ્ય મંત્રાલયે સ્વીકારી લીધી છે. આ મુદ્દે મંત્રાલયો વચ્ચે મસલત માટે એક કૅબિનેટ-નોટ મોકલવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ટબૅકો કન્ટ્રોલના માળખા અનુસાર આરોગ્ય મંત્રાલયે આ ફેંસલો કર્યો છે.

જાહેરમાં સિગારેટ ફૂંકવા માટે દંડનું પ્રમાણ હાલના ૨૦૦ રૂપિયાથી વધારીને ૨૦,૦૦૦ રૂપિયા કરવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. જાહેરમાં ધૂમ્રપાનને કૉગ્નિઝેબલ ગુનો ગણવામાં આવશે. એનો અર્થ એ થાય કે જાહેરમાં ધૂમ્રપાન કરતાં પકડાયેલી વ્યક્તિ સામે કાયદા અનુસાર કામ ચલાવવામાં આવશે.

તમાકુના વપરાશને કારણે થતા રોગોને લીધે ૨૦૧૧ના વર્ષમાં ભારતને કુલ ૧.૦૪ લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયુ હતું.