09 September, 2025 08:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનનાં પ્રેસિડન્ટ ઉર્સુલા વૉન દેર લેયન વચ્ચેની બેઠકમાં ૨૦૨૫ના અંત સુધીમાં વેપાર કરાર ફાઇનલ કરવાનો ટાર્ગેટ રખાયો હતો.
ભારત પર ટૅરિફ લાદીને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે નાણાકીય બોજ વધારવાનો પ્રયાસ કર્યો છે અને એનાથી ભારતના વ્યવસાય અને નિકાસ પર અસર પડી છે, પરંતુ ભારત હવે એક એવો વેપાર-કરાર કરવાની તૈયારીમાં છે જે અમેરિકાની જરૂરિયાતને દૂર કરી શકે છે.
ભારત અને યુરોપિયન યુનિયન (EU) ટૂંક સમયમાં એક મોટા વેપાર-કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. જો ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થાય તો ભારત માટે કોઈ પણ ટૅરિફ કે ટૅક્સ વિના ૧૩૫ અબજ ડૉલરનો વેપાર શરૂ થશે. આવતા મહિને બન્ને પક્ષો વચ્ચે બેઠક થશે. એવી અપેક્ષા છે કે બન્ને પક્ષો વચ્ચેના તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવ્યા પછી આ વર્ષના અંત સુધીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરારને મંજૂરી મળતાં જ ભારતને યુરોપના લગભગ બે ડઝન દેશો સાથે કોઈ પણ ટૅક્સ વિના વેપાર કરવાની તક મળશે.
ટૅરિફ વધારીને ટ્રમ્પે માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વભરના દેશોને તેમના વેપાર-સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રેરણા આપી છે. આ સોદો ભારત અને EU બન્નેની ચીન પરની નિર્ભરતા ઘટાડશે. બન્ને એકબીજાના મજબૂત વિકલ્પો તરીકે ઊભરી આવશે. આ સોદો વૈશ્વિક સપ્લાય-ચેઇનને વૈવિધ્યસભર બનાવશે અને ચીન તથા અમેરિકા જેવા દેશોને મનમાની કરતાં અટકાવશે.