05 May, 2025 10:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રામબનમાં ચિનાબ નદી પર આવેલા બગલિહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ડૅમના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે.
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે ૬૫ વર્ષથી ચાલી રહેલા સિંધુ જળકરારને રદ કરી દીધો છે. એને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારત તરફથી સૌથી મોટું પગલું માનવામાં આવે છે. એ હેઠળ હવે ભારતે ચિનાબ નદી પર બગલિહાર બંધથી પાકિસ્તાન જતો પાણીનો પ્રવાહ રોકી દીધો છે અને ઝેલમ નદી પર કિશનગંગા બંધ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવાની યોજના ચાલી રહી છે.
જમ્મુના રામબનમાં બગલિહાર અને ઉત્તર કાશ્મીરમાં કિશનગંગા હાઇડ્રો પાવર ડૅમ દ્વારા ભારત પોતાના તરફથી પાણી છોડવાના સમયને રેગ્યુલેટ કરી શકે છે. એટલે આ ડૅમ દ્વારા પાકિસ્તાનને પહોંચાડવામાં આવતું પાણી કોઈ પણ પૂર્વચેતવણી વિના ઓછું કરી શકાય છે અને ફ્લો વધારી પણ શકાય છે. રામબનમાં બગલિહાર ડૅમના દરવાજા બંધ થયા બાદ ચિનાબ નદીનું વહેણ ઓછું થઈ ગયું છે. એને કારણે પાકિસ્તાનની ખેતી અને પર્યાવરણ બન્ને પર અસર પડી શકે છે.