સિંહગર્જના સામે ડ્રૅગનનું મ્યાઉં-મ્યાઉં

22 November, 2011 10:23 AM IST  | 

સિંહગર્જના સામે ડ્રૅગનનું મ્યાઉં-મ્યાઉં



ચીને ઇન્ડોનેશિયાના આઇલૅન્ડ રિસોર્ટ બાલીમાં ભારત અને ચીનના વડા પ્રધાનો વચ્ચે થયેલી મુલાકાતને ગઈ કાલે ખૂબ જ આશાસ્પદ ગણાવી હતી. ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા લીઉ વેમિને ગઈ કાલે કહ્યું હતું કે ‘ઇન્ડોનેશિયા સાથેની મુલાકાત દરમ્યાન ચીને ભારત સાથે મિત્રતા અને સહકાર કેળવી દ્વીપક્ષીય સંબંધો આગળ વધારવા પર ભાર મૂક્યો હતો. એમ કરતાં અમને બન્ને રાષ્ટ્રોને વિશ્વની કોઈ સત્તા રોકી નહીં શકે.’

સાઉથ ચાઇના સમુદ્રનો વિવાદ પણ તેમણે ભારત સાથે વાતચીત દ્વારા ઉકેલવા પર જોર આપ્યું હતું. બાલીમાં વડા પ્રધાન મનમોહન સિંહ સાથેની મુલાકાત દરમ્યાન તેમના ચીની સમકક્ષ વેન જિયાબાઓએ સાઉથ ચાઇના સમુદ્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા શારકામ સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ વડા પ્રધાન મનમોહન સિંહે તેલ અને કુદરતી ગૅસની શોધખોળ નહીં અટકાવવામાં આવે એવું ઘસીને કહી દેતાં ચીનનો સૂર અચાનક બદલાઈ ગયો છે અને હવે તેઓ આ વિવાદ વાતચીત દ્વારા ઉકેલવા માગે છે. જોકે ચીને વિદેશી કંપનીઓને સાઉથ ચાઇના સમુદ્રમાં શારકામની પ્રવૃત્તિથી દૂર રહેવાની ગઈ કાલે તાકીદ કરી હતી.

હકીકત એ છે કે ચીન સાઉથ ચાઇના સમુદ્ર પર પોતાનો દાવો કરી રહ્યું છે, પરંતુ આ મુદ્દો વિવાદાસ્પદ છે, કારણ કે ચીન સિવાયના કેટલાક દેશો પણ આ સમુદ્ર પર પોતાનો દાવો કરી રહ્યા છે. ભારત વિયેટનામ સાથે મળીને આ સમુદ્રમાં તેલ અને કુદરતી ગૅસની શોધખોળ કરી રહ્યું છે.