લાલ કિલ્લાની સુરક્ષામાં બેદરકારી! ડમી બૉમ્બ શોધી ન શકી દિલ્હી પોલીસ, ૭ સસ્પેન્ડ

05 August, 2025 08:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Independence Day 2025: લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થાનું પરીક્ષણ કરવા માટે સ્પેશિયલ સેલ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ડમી બૉમ્બ પ્લાન્ટ કરાયા; ત્યાં તૈનાત પોલીસકર્મીઓ બૉમ્બ શોધી ન શકતા સસ્પેન્ડ કરાયા

લાલ કિલ્લાની ફાઇલ તસવીર

સ્વતંત્રતા દિવસ ૨૦૨૫ (Independence Day 2025)ની ઉજવણીની તૈયારીઓ દેશમાં અનેક ઠેકાણે શરુ થઈ ગઈ છે. ૧૫ ઓગસ્ટ પહેલા દિલ્હી (Delhi)માં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસની તૈયારીઓ રાજધાનીમાં જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. લાલ કિલ્લા (Red Fort)ની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. સ્વતંત્રતા દિવસ પહેલા, દિલ્હી પોલીસ (Delhi Police)ના સ્પેશિયલ સેલ મોક ડ્રીલ દરમિયાન ડમી બૉમ્બ સાથે લાલ કિલ્લામાં પ્રવેશ્યા હતા. પરંતુ ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ ડમી બૉમ્બ ઓળખી શક્યા નહોતા. સુરક્ષામાં ખામીને કારણે, સાત પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, ફરજમાં બેદરકારી બદલ આ બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

૧૫ ઓગસ્ટના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દરરોજ સુરક્ષા કવાયત (મોક ડ્રીલ) કરી રહી છે. શનિવારે, સ્પેશિયલ સેલની એક ટીમે આવી જ એક કવાયત હાથ ધરી હતી. ટીમે લાલ કિલ્લા પરિસરમાં સિવિલ ડ્રેસમાં પ્રવેશ કર્યો અને એક ડમી બૉમ્બ લીધો. આ દરમિયાન, ત્યાં તૈનાત પોલીસકર્મીઓ ડમી બૉમ્બ શોધી શક્યા નહીં, જેને સુરક્ષામાં મોટી ભૂલ માનવામાં આવી હતી. આ કારણે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણને કારણે લાલ કિલ્લો આતંકવાદીઓના નિશાન પર રહે છે, તેથી સુરક્ષામાં ખામી એ ગંભીર બાબત છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓ સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે સુરક્ષા કારણોસર ૧૬ ઓગસ્ટ સુધી રાજધાનીમાં પેરાગ્લાઈડર્સ, હેંગ-ગ્લાઈડર્સ અને હોટ એર બલૂન જેવા પેટા-પરંપરાગત હવાઈ પ્લેટફોર્મના ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ પહેલા દિલ્હી પોલીસે આ અંગે એક આદેશ પણ જારી કર્યો છે. આદેશમાં જણાવાયું છે કે, ‘પેરા-મોટર્સ, હેંગ-ગ્લાઈડર્સ, યુએવી, યુએએસ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, રિમોટ-કંટ્રોલ્ડ એરક્રાફ્ટ ૧૬ ઓગસ્ટ સુધી પ્રતિબંધિત રહેશે.’ આદેશમાં સુરક્ષા કારણો ટાંકવામાં આવ્યા છે.

લાલ કિલ્લામાં ઘુસનાર બાંગ્લાદેશીઓની ધરપકડ

લાલ કિલ્લાની સુરક્ષા સાથે જોડાયેલા વધુ એક સમાચાર આવ્યા છે, જેને કારને સુરક્ષા પર વધુ એક પ્રશ્ન થાય છે. દિલ્હી પોલીસે લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશ કરવા બદલ પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. તેમની ઉંમર આશરે ૨૦-૨૫ વર્ષ હોવાનું કહેવાય છે. આ બધા ગેરકાયદેસર બાંગ્લાદેશી છે જે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં મજૂર તરીકે કામ કરે છે. પોલીસે આ લોકો પાસેથી કેટલાક બાંગ્લાદેશી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. હાલમાં, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી તેમના ઇરાદા જાણી શકાય. પોલીસનું કહેવું છે કે, સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને આમાં જે કોઈ બેદરકારી દાખવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

independence day red fort new delhi delhi police bomb threat national news news