વીઝા માટે લાંચ લેવા મામલે CBIએ પી. ચિદમ્બરમના પુત્રના ઘરે પાડ્યા દરોડા

17 May, 2022 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર અને લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમના મુંબઈ, ચેન્નાઈ અને તમિલનાડુના શિવગંગામાં આવેલા ઘર પર દરોડા પાડ્યા છે.

પી. ચિદમ્બરમ

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર અને લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમના મુંબઈ, ચેન્નાઈ અને તમિલનાડુના શિવગંગામાં આવેલા ઘર પર દરોડા પાડ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે CBIએ 250 ચીની નાગરિકોને વિઝા અપાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે CBIએ મંગળવારે સવારે ચેન્નાઈ અને દેશના અન્ય શહેરોમાં સ્થિત કાર્તિ ચિદમ્બરમના નવ સ્થળો પર દરોડા પાડ્યા છે.

આરોપ છે કે કાર્તિ ચિદમ્બરમે પૈસા લઈને 250 ચીની લોકોને ખોટી રીતે વિઝા આપ્યા હતા. આ મામલો પંજાબના એક પાવર પ્રોજેક્ટ સાથે સંબંધિત છે, જેમાં વિઝા આપવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઈએ નવો કેસ નોંધ્યો છે.

ચેન્નાઈ, મુંબઈ, તમિલનાડુ, પંજાબ, ઓરિસ્સામાં કુલ 9 જગ્યાએ કાર્તિ વિરુદ્ધ રેડ ચાલી રહી છે. જો કે દિલ્હીમાં અત્યાર સુધી કોઈ દરોડા પડ્યા નથી, પરંતુ સીબીઆઈ અધિકારીઓ સવારે કેટલાક દસ્તાવેજો સાથે દિલ્હીના ઘરથી નીકળી ગયા હતા. સીબીઆઈએ જે સ્થળોએ દરોડા પાડ્યા છે તે ચેન્નાઈમાં ત્રણ, મુંબઈમાં ત્રણ અને કર્ણાટક, પંજાબ અને ઓરિસ્સામાં એક-એક સ્થળો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ 2010-14 વચ્ચે થયેલા કથિત વિદેશી વ્યવહારોના સંબંધમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. જે મુજબ દરોડા પાડવામાં આવ્યા છે.

કાર્તિ ચિદમ્બરમની અનેક કેસોમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરીથી INX મીડિયાને વિદેશમાંથી રૂ. 305 કરોડ મળ્યાનો કેસ પણ સામેલ છે. તે સમયે તેમના પિતા પી ચિદમ્બરમ દેશના નાણામંત્રી હતા.

કાર્તિ ચિદમ્બરમે આ દરોડા પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેમણે હવે ગણતરી બંધ કરી દીધી છે. તેણે ટ્વીટ કર્યું, "હવે મેં ગણતરી કરવાનું બંધ કરી દીધું છે. આવું કેટલી વાર થયું છે? આ પણ નોંધવું જોઈએ."

national news congress p chidambaram