23 June, 2024 07:37 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામમંદિર
અયોધ્યાના રામમંદિરમાં ભગવાન રામનાં દર્શન કરવા આવનારા ભાવિકોના માથા પર હવે ચંદન લગાડવામાં નહીં આવે, આ સિવાય ભાવિકોને ચરણામૃત આપવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસજીએ કહ્યું હતું કે ટ્રસ્ટના મેમ્બર ડૉ. અનિલ મિશ્રએ તેમને અને અન્ય પૂજારીઓને ચંદન લગાડવા અને દક્ષિણા લેતાં રોકી દીધા છે. ભાવિકોને દક્ષિણા દાનપેટીમાં જ નાખવા દેવા માટે કહેવામાં આવ્યું છે. હવે પૂજારીઓને મળનારી દક્ષિણા દાનપેટીમાં નાખવામાં આવશે.
ટ્રસ્ટના આ નિર્ણયથી પૂજારીઓમાં ભારે રોષ છે. જોકે આચાર્ય સત્યેન્દ્રદાસે કહ્યું હતું કે ટ્રસ્ટના નિર્ણયનું પાલન કરવામાં આવશે. બાવીસમી જાન્યુઆરીથી મંદિર ખૂલી ગયા બાદ લાખો ભાવિકો રોજ રામલલાનાં દર્શન માટે આવી રહ્યા છે અને રામલલાનાં દર્શન બાદ પૂજારીઓ ભાવિકોના માથે ચંદન લગાવતા હતા અને તેમને ચરણામૃત આપતા હતા. આથી ભાવિકો પૂજારીઓને દાન-દક્ષિણા આપતાં હતાં. જોકે ટ્રસ્ટના આદેશ અનુસાર હવે પૂજારીઓએ આવી દક્ષિણા ભાવિકોને મંદિરની દાનપેટીમાં નાખવા કહેવું પડશે. અયોધ્યાના રામમંદિરમાં આશરે બે ડઝનથી વધારે પૂજારી છે અને એમાં પાંચ જૂના અને ૨૧ નવા સહાયક પૂજારીનો સમાવેશ છે. મુખ્ય પૂજારીને મહિને ૩૫,૦૦૦ અને સહાયક પૂજારીને મહિને ૩૩,૦૦૦ રૂપિયાનો પગાર મળે છે.