કાશ્મીરમાં BJP નહીં પણ ૭ વિધાનસભ્યો કિંગમેકર

27 December, 2014 05:34 AM IST  | 

કાશ્મીરમાં BJP નહીં પણ ૭ વિધાનસભ્યો કિંગમેકર


જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયાને ત્રણ દિવસ પસાર થઈ ગયા પછી પણ રાજ્યમાં સરકાર રચવાની સ્પર્ધા રોમાંચક તબક્કામાં છે. અહીં સરકાર રચવા માટે BJP, NC, PDP અને કૉન્ગ્રેસ જોરદાર પ્રયાસ કરી રહ્યા છે, પણ એકેય પક્ષ માટે અન્ય ત્રણ નાના પક્ષોના તથા ત્રણ અપક્ષ વિધાનસભ્યોના ટેકા વિના સરકાર રચવાનું અશક્ય લાગી રહ્યું છે. અહીં BJPના ૨૫, NCને ૧૫, PDPને ૨૮ અને કૉન્ગ્રેસને ૧૨ બેઠકો મળી છે. BJP અને NC કે પછી PDP અને કૉન્ગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા ઇચ્છે તો પણ આ બન્ને સંભવિત યુતિની કુલ સભ્યસંખ્યા ૪૦-૪૦ની જ થાય છે, જ્યારે બહુમતી માટે ૪૪ સભ્યોની જરૂર છે.


આ સંજોગોમાં અન્ય ત્રણ નાના પક્ષો અને ત્રણ અપક્ષ વિધાનસભ્યોનો ટેકો મેળવવો જરૂરી બની જાય છે. એવા કુલ સાત વિધાનસભ્યોમાં પીપલ્સ કૉન્ગ્રેસ પાર્ટીના બે, સામ્યવાદી પક્ષ તથા પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (સેક્યુલર)ના એક-એક અને ત્રણ અપક્ષનો સમાવેશ થાય છે. સજ્જાદ લોણની પીપલ્સ કૉન્ગ્રેસ પાર્ટીના ઉમેદવારો સામે BJPએ કોઈ ઉમેદવારો ઊભા રાખ્યા ન હતા અને સજ્જાદ લોણ ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. એટલે તેઓ BJP ભણી ઢળે એ દેખીતું છે, પણ અમે BJP સાથે બંધાયેલા નથી અને આઝાદ પંખી છીએ એમ કહીને સજ્જાદ લોણે BJPની ચિંતા વધારી દીધી હતી. સજ્જાદ લોણના વલણમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

સામ્યવાદી પક્ષના એકમાત્ર વિધાનસભ્ય મોહમ્મદ યુસુફ તારિગામીએ PDPના ઉમેદવારને હરાવ્યા હતા, તેમની સામે NCએ કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો એટલે તેઓ PDP કે NC એ બન્નેમાંથી કોઈ પણ ભણી ઢળે એવી શક્યતા છે.પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (સેક્યુલર)ના હાકિમ મોહમ્મદ યાસીન શાહે PDPના સૈફુદ્દીન બટને હરાવ્યા હતા. તેઓ છેલ્લી ઘડીએ બેમાંથી કોઈ પણ યુતિને ટેકો આપી શકે છે. બીજા ત્રણ અપક્ષ વિધાનસભ્યો અબ્દુલ રાશિદ શેખ, પવનકુમાર ગુપ્તા અને મોહમ્મદ બાકિર રિઝવીનું વલણ પણ હાલ કળી નથી શકાતું. પવનકુમાર ગુપ્તા BJPના અને મોહમ્મદ બાકિર રિઝવી NCના બળવાખોર ઉમેદવારો બનીને ચૂંટણી જીત્યા છે.

સરકાર રચવાની વાતચીત કરવા માટે ગવર્નરનું PDP અને BJPને આમંત્રણ  

જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચના વિશે ચાલુ રહેલા સસ્પેન્સ વચ્ચે રાજ્યપાલ એન. એન. વોહરાએ વિધાનસભાની ચૂંટણીમાં પહેલા અને બીજા મોટા પક્ષ તરીકે બહાર આવેલી PDP અને BJPને ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. સરકાર રચવાની દરખાસ્ત વિશેની ચર્ચા કરવા રાજ્યપાલે BJPના વડાં મહેબૂબા મુફતી અને રાજ્ય BJPના વડા જુગલ કિશોરને અલગ-અલગ પત્રો મોકલ્યા હતા. પહેલી જાન્યુઆરી સુધીમાં આ ચર્ચા પૂર્ણ કરવાની છે. વિધાનસભ્યોના ટેકાના પત્રો પણ ચર્ચા વખતે સાથે લાવવા રાજ્યપાલે બન્ને પક્ષોને જણાવ્યું છે.  રાજ્યપાલ વિધાનસભ્યમાં ટેકાના પત્રોના આધારે સરકાર રચવાનું આમંત્રણ કોને આપવું એનો નિર્ણય કરશે.