બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી BJP, JDU અને LJP સાથે મળીને લડશે

24 August, 2020 10:40 AM IST  |  New Delhi | Agencies

બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી BJP, JDU અને LJP સાથે મળીને લડશે

જે. પી. નડ્ડા

બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી બીજેપી, જનતા દળ(યુનાઇટેડ) અને લૉક જનશક્તિ પાર્ટી (એલજેપી) ગઠબંધન રૂપે સાથે મળીને લડનાર હોવાનું બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું. ગઈ કાલે બિહાર રાજ્ય બીજેપી કાર્ય સમિતિને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધતાં જે. પી. નડ્ડાએ ચૂંટણીમાં એમના ગઠબંધનના વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નડ્ડાએ બિહારમાં પક્ષના કાર્યકરોને બીજેપીએ કેન્દ્રમાં અને રાજ્યમાં હાથ ધરેલા જનકલ્યાણનાં કાર્યોની માહિતીનો જનતામાં પ્રસાર કરવાનો અનુરોધ કર્યો હતો. ૨૯ નવેમ્બરે બિહાર વિધાનસભાની મુદત પૂરી થતી હોવાથી આગામી ઑક્ટોબર કે નવેમ્બર મહિનામાં એની ચૂંટણીનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવાની શક્યતા છે.

જે. પી. નડ્ડાએ ભારતમાં કોવિડ-19ની સારવાર માટેની વિશિષ્ટ સુવિધાઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ભારતમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓ માટે ૧૨.૫૦ લાખ દરદીઓનો સમાવેશ કરી શકે એવી હૉસ્પિટલો સહિતની ૨૦૦૦ અલાયદી સુવિધાઓ છે. દેશમાં રોજના ૧૦ લાખ જણના ટેસ્ટિંગની ક્ષમતા છે. દેશમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓનો રિકવરી રેટ ૭૪ ટકા પર પહોંચ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશમાં ૮૦ કરોડ લોકોને અનાજ-કઠોળ આપવામાં આવે છે. આત્મનિર્ભર ભારત, નાના અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતોને સહાય તેમ જ નૅશનલ ડિજિટલ હેલ્થ મિશન જેવા કાર્યક્રમો સામાન્ય નાગરિકો સુધી પહોંચતાં વ્યાપક સ્તરે રાહત અનુભવાઈ રહી છે.’

bihar bihar elections national news nitish kumar