મધ્ય પ્રદેશમાં રોડ-ઍક્સિડન્ટમાં જૈન મુનિ કાળધર્મ પામ્યા

09 February, 2021 11:26 AM IST  |  Indore | Mumbai correspondent

મધ્ય પ્રદેશમાં રોડ-ઍક્સિડન્ટમાં જૈન મુનિ કાળધર્મ પામ્યા

મધ્ય પ્રદેશમાં રોડ-ઍક્સિડન્ટમાં જૈન મુનિ કાળધર્મ પામ્યા

મધ્ય પ્રદેશના અમીઝરા પાર્શ્વનાથ જૈન તીર્થથી ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે ઇન્દોર તરફ વિહાર કરીને જઈ રહેલા જૈન શ્વેતામ્બર તપાગચ્છીય અરિહંત સિદ્ધસૂરિ સમુદાયના ૬૨ વર્ષના મુનિરાજ શ્રી સિદ્ધિતિલકવિજયજી મહારાજસાહેબ મધ્ય પ્રદેશના ઇન્દોર પાસે આવેલા ધાર પાસે કાર-ઍક્સિડન્ટ થતાં કાળધર્મ પામ્યા હતા. જ્યારે તેમની સાથે જ વિહાર કરી રહેલા જૈન શ્વેતામ્બર તપાગચ્છીય ગુણરત્નસૂરિ સમુદાયના રાજેન્દ્રસૂરિજી મહારાજસાહેબના શિષ્ય ૬૪ વર્ષના મુનિશ્રી સિદ્ધરત્નવિજયજી મહારાજસાહેબ ગંભીર રીતે ઈજા પામ્યા છે. તેમને પગમાં મલ્ટિપલ ફ્રૅક્ચર આવ્યાં છે. આ બન્ને મહારાજસાહેબની આગળ ચાલી રહેલાં એક બહેનને પણ ગંભીર ઈજા થઈ છે અને અન્ય ત્રણ વર્ષની એક બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાથી ઇન્દોરનો જૈન સમાજ શોકમગ્ન બની ગયો છે.
આ અકસ્માતની માહિતી આપતાં મધ્ય પ્રદેશમાં સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ અને ધર્મપ્રસારનાં કાર્યો કરી રહેલા ઇન્દોરના શ્રી નવકાર પરિવારના મહેન્દ્રગુરુજી (શાહ)એ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ બન્ને મહારાજસાહેબો અલગ-અલગ સમુદાયના છે. તેઓ છેલ્લા પોણાબે મહિનાથી સાથે જ રહેતા હતા. ગઈ કાલે આ બન્ને મહારાજસાહેબો તેમની જાતે જ તેમના સામાનની રેંકડી ચલાવીને મધ્ય પ્રદેશના અમીઝરા તીર્થથી ઇન્દાર તરફ વિહાર કરીને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર આ બન્ને સાધુઓ સાથે અથડાઈ હતી. અકસ્માત વખતે મુનિરાજ શ્રી સિદ્ધિતિલકવિજયજી મહારાજસાહેબને માથામાં ગંભીર ઈજા થઈ હતી. એ વખતે તેમના શ્વાસ ચાલી રહ્યા હતા અને તેમની ઍન્જિયોગ્રાફીનો રિપોર્ટ પણ સારો હતો. જોકે તેમને અકસ્માતના સ્થળેથી ઇન્દોરની હૉસ્પિટલમાં ઍમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા હતા એ દરમ્યાન ઍમ્બ્યુલન્સમાં તેમનાં હાર્ટબીટ્સ બંધ થઈ ગયાં હતાં અને તેઓ કાળધર્મ પામ્યા હતા.
આટલા મોટા અકસ્માતમાં સમુદાયના મુનિ શ્રી સિદ્ધરત્નવિજયજી મહારાજસાહેબને પગમાં ગંભીર ઈજા થઈ હતી. એ સંદર્ભે મહેન્દ્રગુરુજીએ કહ્યું કે અમારા શ્રી નવકાર પરિવારના કાર્યક્રમો તેમને ઇન્દોરની અરિહંત હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેમના પગમાં મલ્ટિફ્રૅક્ચર આવ્યાં હોવાથી તેમનું ગઈ કાલે સાંજે ઑપરેશન કરવામાં આવ્યું હતું. આ બન્ને સાધુઓનો અકસ્માત કરીને ડ્રાઇવર કાર સાથે ભાગી ગયો હતો જેનો ગઈ કાલે રાત સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો.

national news indore madhya pradesh