મોહાલીમાં ૪૮ કલાકમાં બની ૧૦ માળની ઇમારત

02 December, 2012 04:45 AM IST  | 

મોહાલીમાં ૪૮ કલાકમાં બની ૧૦ માળની ઇમારત



મોહાલીમાં ગઈ કાલે માત્ર ૪૮ કલાકમાં ૧૦ માળનું બિલ્ડિંગ બનાવવાનો રેકૉર્ડ સરજાયો હતો. ૨૦૦થી વધારે લોકોએ સતત કામ કરીને ૨૫,૦૦૦ ચોરસ મીટર એરિયામાં ઇન્સ્ટાકૉમ નામનું બિલ્ડિંગ બનાવ્યું હતું. નક્કી કરેલી ડેડલાઇન મુજબ કાલે સાડાચાર વાગ્યે આ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું હતું. એ સાથે જ મોહાલીની સિનર્જી ટ્રિલિંગ્શ્ટન નામની કન્સ્ટ્રક્શન કંપનીએ ભારતમાં સૌથી ઝડપથી આ પ્રકારનું બિલ્ડિંગ બાંધવાને રેકૉર્ડ બનાવ્યો હતો. લિમકા બુક ઑફ રેકૉર્ડ્સે આ રેકૉર્ડને માન્યતા આપતું સર્ટિફિકેટ પણ આપ્યું છે. ગુરુવારે સાંજે ૪.૩૮ વાગ્યે આ બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જે ગઈ કાલે સાડાચાર વાગ્યા સુધી ચાલ્યું હતું. બાંધકામમાં ૩૦ એન્જિનિયરો જોડાયા હતા.

કન્સ્ટ્રક્શન કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર હરપાલ સિંહે કહ્યું હતું કે ગુરુ નાનક જયંતી નિમિત્તે આ રેકૉર્ડ રચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સપનું આજે સાચું પુરવાર થયું છે. મકાન તૈયાર થઈ જતાં તમામ લોકોએ ઢોલના તાલે ભાંગડા ડાન્સ કરીને સેલિબ્રેશન કર્યું હતું. આ સમગ્ર બિલ્ડિંગના બાંધકામમાં ૮૦ ટકા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર પાયાનો ભાગ જ સિમેન્ટ અને કૉન્ક્રીટનો બનેલો છે. આ બિલ્ડિંગની ખાસિયત એની મજબૂતી છે. હરપાલ સિંહે કહ્યું હતું કે ‘અમે કોઈ રેકૉર્ડ બનાવવા આ બિલ્ડિંગ નથી બનાવ્યું. આ બિલ્ડિંગ ભલે ૪૮ કલાકમાં બન્યું હોય, એની સામગ્રી તૈયાર કરતાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો.’