કૃષિ કાયદાના વિરોધની અસર, લેબર કાયદામાં સુધારાઓનો અમલ ડિલે થશે

24 November, 2021 12:09 PM IST  |  Mumbai | Agency

કેન્દ્ર સરકાર કોઈ પણ નવા વિવાદથી બચવા ઇચ્છે છે

પ્રતીકાત્મક તસવીર

ખૂબ જ વિરોધના કારણે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓને જે રીતે પાછા ખેંચી લેવાની ફરજ પડી છે એ જોતાં કેન્દ્ર સરકાર હવે કોઈ નવા વિવાદથી બચવા ઇચ્છતી હોય એમ જણાય છે. કેન્દ્ર સરકાર લેબર કાયદાઓમાં વિવાદાસ્પદ સુધારાઓનો અમલ આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ સુધી મોકૂફ રાખવા ઇચ્છે છે, કેમ કે સરકારને આશંકા છે કે કૃષિ કાયદાઓની જેમ જ લેબર યુનિયન્સ તરફથી આ સુધારાઓનો ખૂબ જ વિરોધ થશે. 
કેન્દ્ર સરકાર ચાર લેબર કોડ્સને લાગુ કરવા માટેની અનેક ડેડલાઇન્સને મિસ કરી ચૂકી છે. છેલ્લી ડેડલાઇન ઑક્ટોબરની હતી. રોકાણ વધારવાના હેતુથી સંસદમાં બિલ્સ પસાર કરવામાં આવ્યા હતા કે જેનાથી કંપનીઓને કામદારોને હાયર અને ફાયર કરવામાં સરળતાની જોગવાઈ છે. આવી જોગવાઈઓના કારણે જ લગભગ દસ કામદાર સંગઠનોએ આ લેબર કોડ્ઝને રદ કરવાની માગણી કરી છે. બીજેપી આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કોઈ જોખમ લેવા માગતી નથી. ઑગસ્ટ ૨૦૧૯માં સંસદે ત્રણ લેબર કોડ્ઝ-ઇન્ડસ્ટ્રિયલ રિલેશન, કામની સલામતી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન અને સોશ્યલ સિક્યૉરિટીને સંબંધિત નિયમો બદલ્યા હતા. આ નિયમો સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પાસ કરવામાં આવ્યા હતા.

national news