આ વર્ષે સામાન્ય કરતાં વધુ સારું રહેવાનું છે મૉન્સૂન, ૧૦૬ ટકા વરસાદની છે સંભાવના

16 April, 2024 07:41 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધારે વરસાદની સંભાવના

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતીય મોસમ વિભાગે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિના દરમ્યાન સાઉથ-વેસ્ટ મૉન્સૂન સારું રહેવાની સંભાવના વ્યક્ત કરીને કહ્યું છે કે આશરે ૧૦૬ ટકા જેટલો વરસાદ પડશે. આ અનુમાનની આસપાસ પાંચ ટકા ઓછો કે વધારે વરસાદ પડશે. આ વર્ષે ચોમાસું સારું રહેશે. ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી સારો વરસાદ પાક માટે અને દેશના અર્થતંત્ર માટે ખૂબ સારી નિશાની માનવામાં આવે છે.

૧૯૭૧થી ૨૦૨૦ સુધીનાં ૫૦ વર્ષના આંકડા મુજબ આ વર્ષે ૮૭ સેન્ટિમીટર વરસાદ થશે. આ પહેલાં પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાયમેટે પણ ૯૬ ટકાથી ૧૦૪ ટકા સુધીના સામાન્ય વરસાદની આગાહી કરી હતી. પહેલી જૂને કેરલાથી વરસાદની એન્ટ્રી થાય છે અને સપ્ટેમ્બરના અંતમાં રાજસ્થાનના રસ્તે એની વિદાય થાય છે.

ક્યાં કેટલો વરસાદ?
આ વર્ષે ૨૦ રાજ્યોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે; જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વગેરેનો સમાવેશ છે. છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે. જોકે ઓડિશા, આસામ, નાગાલૅન્ડ, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમમાં ખૂબ ઓછો વરસાદ થવાની 
ધારણા છે.

national news india indian meteorological department mumbai monsoon