27 February, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ ઍર ટિકિટના રીફન્ડ માટેના નિયમોમાં બદલાવ કર્યો છે. આ નવા નિયમો અંતર્ગત હવે યાત્રીઓ બુકિંગ કર્યાના ૪૮ કલાકની અંદર કોઈ વધારાની ફી ચૂકવ્યા વિના ટિકિટ કૅન્સલ કરાવી શકે છે અથવા તો બદલાવ કરી શકે છે. આ ટિકિટ સીધી ઍરલાઇનની વેબસાઇટથી બુક કરી હોય અને ૨૪ કલાકની અંદર જ મુસાફરના નામમાં કોઈ ભૂલ જણાય તો એના સુધાર માટે કોઈ ચાર્જ નહીં લેવામાં આવે. ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં આવેલા અવરોધો દરમ્યાન રીફન્ડનો મુદ્દો સામે આવ્યો હતો. એ પછી સિવિલ એવિએશન મંત્રાલયે રીફન્ડ બાબતે ચોક્કસ ગાઇડલાઇન્સ બહાર પાડવાનો નિર્દેશ કર્યો હતો. આ મુદ્દે નવા સંશોધિત નિયમો DGCAએ બહાર પાડ્યા છે.
હવે ઍરલાઇને યાત્રીઓને ટિકિટ-બુકિંગના ૪૮ કલાક માટે લુક-ઇન વિકલ્પ આપવો પડશે. આ અવધિમાં મુસાફર કોઈ વધારાના ચાર્જ વિના ટિકિટ રદ કરી શકે છે કે બદલી શકે છે. બદલાયેલી ફ્લાઇટ માટે સામાન્ય રીતે જેટલું ભાડું હોય એ જ ચૂકવવાનું રહેશે.
જોકે આ સુવિધા તમામ ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ નહીં હોય. એમની ડિપાર્ચર-ડેટ બુકિંગની તારીખથી ઓછામાં ઓછી ૭ દિવસ (ડોમેસ્ટિક ફ્લાઇટ) અને ૧૫ દિવસ (ઇન્ટરનૅશનલ ફ્લાઇટ) દૂર હોય એ જરૂરી છે અને ટિકિટ ડાયરેક્ટ ઍરલાઇનની વેબસાઇટથી બુક કરેલી હોય. ૪૮ કલાકની અવધિ પૂરી થયા પછી આ વિકલ્પ ઉપલબ્ધ નહીં રહે અને મુસાફરોએ કોઈ પણ બદલાવ કે કૅન્સલેશન માટે જે-તે ઍરલાઇન મુજબનો સંબંધિત ચાર્જ આપવાનો રહેશે.
જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે પોર્ટલના માધ્યમથી ખરીદી હોય તો રીફન્ડની જવાબદારી ઍરલાઇને જ લેવી પડશે, કેમ કે એજન્ટ કંપનીએ નિયુક્ત કરેલા પ્રતિનિધિ છે. ઍરલાઇન એ સુનિશ્ચિત કરે કે રીફન્ડની પ્રક્રિયા ૧૪ દિવસની અંદર પૂરી થાય. મુસાફર કે તેમના પરિવારના કોઈ સદસ્યની મેડિકલ ઇમર્જન્સીને કારણે ટિકિટ રદ કરવી પડે તો એની શરતોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
DGCAએ કહ્યું હતું કે જો ટિકિટ ડાયરેક્ટ ઍરલાઇનની વેબસાઇટ પરથી બુક કરી હોય તો મુસાફરોએ બુકિંગના ૨૪ કલાકની અંદર પોતાના નામમાં ભૂલ બતાવી હોય તો ઍરલાઇન કોઈ વધારાનો ચાર્જ નહીં લઈ શકે. મેડિકલ ઇમર્જન્સીની સ્થિતિમાં ટિકિટ રદ કરવા પર યાત્રી કે એ જ PNR પર ટ્રાવેલ કરી રહેલા પરિવારજનને મેડિકલ ઇમર્જન્સીને કારણે હૉસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હોય તો ઍરલાઇન રીફન્ડ કે ક્રેડિટ શેલ આપી શકે છે. અન્ય મામલામાં રીફન્ડ ત્યારે જ મળશે જ્યારે ઍરલાઇનને ઍરોસ્પેસ મેડિસિન વિશેષજ્ઞ કે DGCAની પૅનલના નિષ્ણાત પાસેથી મેડિકલ પ્રમાણ મળ્યું હોય.