સાવધાન! વર્ષમાં પાંચ વાર ટ્રાફિક-નિયમ તોડશો તો ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે રદ થઈ જશે

23 January, 2026 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નિયમ ૨૦૨૬ની પહેલી જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે

પ્રતીકાત્મક તસવીર

રોડ પર વાહન ચલાવતી વખતે જો હવે વારંવાર લાપરવાહી કરી અને ટ્રાફિકના નિયમો તોડ્યા તો ભારે પડી શકે છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે મોટર વ્હીકલ્સ રૂલ્સમાં એક નવો બદલાવ કર્યો છે. હવે જો કોઈ ડ્રાઇવર એક વર્ષની અંદર પાંચ કે એથી વધુ વાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ ૩ મહિના માટે સસ્પેન્ડ કે રદ કરવામાં આવશે. આ નિયમ ૨૦૨૬ની પહેલી જાન્યુઆરીથી લાગુ ગણવામાં આવશે. ‍રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે બુધવારે જાહેર કરેલી સૂચના અનુસાર લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો અધિકાર રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ કે જિલ્લા પરિવહન અધિકારી પાસે રહેશે. અલબત્ત, લાઇસન્સ રદ કરતાં પહેલાં અધિકારીએ લાઇસન્સધારકનો પક્ષ સાંભળવો જરૂરી છે. ગયા વર્ષના અપરાધોને નવા વર્ષના નિયમભંગોમાં નહીં ગણવામાં આવે. દર વર્ષે નવેસરથી નિયમભંગની ગણતરી થશે. 

મામૂલી ભૂલો પણ ભારે પડશે‍
અત્યાર સુધી ગાડીની ચોરી, અપહરણ, સ્પીડ-ડ્રાઇવિંગ અને ઓવરલોડિંગ જેવા ૨૪ ગંભીર કેસોમાં જ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ હતી; પરંતુ નવા નિયમ મુજબ હેલ્મેટ ન પહેરવી, સીટ-બેલ્ટ ન બાંધવો, રેડ લાઇટ જમ્પ કરવી જેવા સામાન્ય નિયમો પાંચ વાર તોડવાથી તમારું લાઇસન્સ જોખમમાં મુકાઈ શકે છે. 

ઈ-ચલાન અને પેમેન્ટનો નિયમ
નવી સૂચનાઓમાં ઈ-ચલાનની પ્રક્રિયાને પણ સ્પષ્ટ કરવામાં આવી છે. વરદીધારી પોલીસ-અધિકારી પણ ચલાન કાપી શકશે. ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાના માધ્યમથી ઑટો-જનરેટેડ ઈ-ચલાન પણ ગણવામાં આવશે. ડ્રાઇવરે ૪૫ દિવસની અંદર ચલાનનો દંડ ભરી દેવાનો રહેશે અથવા તો કોર્ટમાં એને પડકારવાનો રહેશે. ૪૫ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ તો માનવામાં આવશે કે ડ્રાઇવરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.  

CCTV કૅમેરાના ચલાનનો વિવાદ 
આ નવા કાયદાથી વિશેષજ્ઞો વચ્ચે ચર્ચા છેડાઈ ગઈ છે. કેટલાકનું માનવું છે કે આનાથી નિયમપાલન સુધરશે અને રોડની સેફ્ટી વધશે. જોકે કેટલાકને આ નિયમો વધુપડતા આકરા અને દમનકારી લાગે છે. ખાસ કરીને CCTV કૅમેરામાં નોંધાયેલા ચલાનમાં ઘણી ભૂલો અને વિવાદો થાય છે એને કારણે ઘણી વાર ટેક્નિકલ ભૂલને કારણે ડ્રાઇવરનું લાઇસન્સ જોખમમાં મુકાઈ જાય એવું શક્ય છે. 

national news india mumbai transport ministry of road transport and highways morth indian government