બંગાળમાં નહીં તો શું પાકિસ્તાનમાં લગાવીશું જય શ્રીરામના નારા ?

12 February, 2021 11:33 AM IST  |  Kolkata | Agency

બંગાળમાં નહીં તો શું પાકિસ્તાનમાં લગાવીશું જય શ્રીરામના નારા ?

કૂચ બિહારમાં રૅલીને સંબોધતા અમિત શાહ.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી વહીવટી ક્ષમતામાં કંગાળ સાબિત થયાં હોવાનું જણાવતાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણી નરેન્દ્ર મોદીના ‘વિકાસ મૉડલ’ અને મમતા બૅનરજીના ‘વિનાશ મૉડલ’ વચ્ચેનો જંગ બનવાની આગાહી કરી હતી. ગઈ કાલે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં એક સભાને સંબોધતાં અમિત શાહે મમતા બૅનરજીને ‘જય શ્રીરામ’નો ઘોષ અપમાનજનક શા માટે લાગે છે, એવો સવાલ પણ ઉપસ્થિત કર્યો હતો.

બીજેપીની ‘પરિવર્તન યાત્રા’ના ભાગરૂપે ગઈ કાલે કૂચ બિહાર પછી ૨૪ પરગણાના બોનગાંવસ્થિત ઠાકુર નગરમાં પણ સભાને સંબોધતાં મમતા બૅનરજીને શ્રીરામના નામ પ્રત્યે અણગમો શા માટે છે, એ મુદ્દો અમિત શાહે ઊભો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘જય શ્રીરામ’નો ઘોષ ભારતમાં નહીં થાય તો પાકિસ્તાનમાં કરવામાં આવશે? અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે ‘મમતાદીદીને જનકલ્યાણમાં કોઈ રસ નથી. તેમનું ધ્યાન ભત્રીજા અભિષેક બૅનરજીને રાજ્યના આગામી મુખ્ય પ્રધાન બનાવવા પર કેન્દ્રિત છે. જો દિલીપ ઘોષ અહીં ન હોત તો મમતાદીદીએ ઘણા વખત પહેલાં અભિષેકને ભાવિ મુખ્ય પ્રધાન તરીકે ગોઠવી દીધા હોત અને એવી જાહેરાત પણ કરી દીધી હોત. ડાયમંડ હાર્બર મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા અભિષેક બૅનરજીએ ભ્રષ્ટાચારને સ્થાપિતરૂપ આપ્યું છે. બીજેપીની આ પરિવર્તન યાત્રા મુખ્ય પ્રધાન બદલવા માટેની નથી. આ યાત્રાનો ઉદ્દેશ પશ્ચિમ બંગાળમાં બંગલાદેશીઓની ઘૂસણખોરી અને ભ્રષ્ટાચારનો અંત લાવીને રાજ્યને પૂર્ણ અને ખરા અર્થમાં ‘સોનાર બાંગલા’ બનાવવાનો છે.’

અમિત શાહ બંગાળથી ચૂંટણી જીતશે તો તેમને ગૃહપ્રધાન બનાવીશ : મમતા

ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવની ચોથી એડિશનનું આયોજન બંગાળમાં કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું કે મને આ ચૂંટણીમાં જીતવાની આશા ૧૧૦ ટકા જેટલી વધુ છે. હું ચૂંટણીનું પરિણામ ભલે ન જણાવી શકું, પરંતુ એટલું તો ખાતરીપૂર્વક કહી શકું છું કે મને અગાઉની ચૂંટણી કરતાં વધુ તેમ જ ઓછામાં ઓછી ૨૨૧ કરતાં વધારે સીટ મળશે. જો કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ બંગાળમાંથી વિધાનસભાની ચૂંટણી લડે અને જીતી બતાવે તો હું તેમને પશ્ચિમ બંગાળના ગૃહપ્રધાન બનાવીશ.

national news kolkata west bengal amit shah mamata banerjee