Coronavirus Effects: CAની તમામ પરીક્ષાઓ રદ્દ, જાણો હવે કઈ તારીખે લેવાશે

05 July, 2020 04:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Effects: CAની તમામ પરીક્ષાઓ રદ્દ, જાણો હવે કઈ તારીખે લેવાશે

ફાઈલ તસવીર

દેશમાં વધાત જતા કોરોના વાયરસ (COVID-19)ના કેસને પગલે ચાર્ટડ એકાઉન્ટન્ટ (CA)ની તમામ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિને જોતા જુલાઈ-ઓગસ્ટમાં પણ પરીક્ષા લેવાનું શક્ય ન હોવાથી તમામ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મે મહિનામાં પરીક્ષા આપનારા 3.25 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હવે નવેમ્બરની પરીક્ષા સાથે મર્જ કરાવાનો નિર્ણય લીધો છે.

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા દર વર્ષે મે મહિનામાં અને નવેમ્બર મહિનામાં એમ બે વાર પરીક્ષા લેવામા આવે છે. ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ અને ફાઈનલ સહિતની તમામ પરીક્ષાઓ બે સાયકલમાં લેવાય છે. મે મહિનાની પરીક્ષાઓ કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનને લીધે મોકુફ કરી દેવામા આવી હતી. ત્યારબાદ 19 જુનથી 4 જુલાઈ દરમિયાન પરીક્ષાઓ લેવાનું નક્કી કરાયુ હતું. જોકે લૉકડાઉન લંબાતા ફરીથી પરીક્ષાઓ મોકુફ કરી 29મી જુલાઈથી 16 ઓગસ્ટ દરમિયાન યોજવાનુ નક્કી કરાયુ હતું.

સીએની પરીક્ષાઓને લઈને સુપ્રિમકોર્ટમાં પિટિશન પણ થઈ હતી. તે મુજબ, ઈન્સ્ટિટયુટ દ્વારા જે રાજ્યમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ન શકે તેઓને ઓપ્ટ-આઉટના ઓપ્શન આપવામા આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓ આપવા માંગે છે અને નથી આપવા માંગતા તેઓ માટે 30 જુન સુધી રજિસ્ટ્રેશન પણ કરવામા આવ્યુ હતું.

જોકે, દેશમાં કોરોનાને લીધે પરિસ્થિતિ ગંભીર થતા કેટલાક રાજ્યોએ લૉકડાઉન 31 જૂલાઈ સુધી લંબાયુ અને કેન્દ્ર સરકારે પણ 31 જૂલાઈ સુધી સ્કુલ-કૉલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હોવાથી CAની પરીક્ષા માટે સેન્ટર મળવા મુશ્કેલ હતા એટલે આખરે ICAIએ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. ICAIએ દ્વારા ગઈકાલે મોડી રાત્રે નોટિફિકેશન જાહેર કરીને તમામ પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરાઈ છે.

મે મહિનાના સાયકલની ફાઉન્ડેશન, ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાઓ રદ કરી હવે નવેમ્બરની સાયકલ સાથે મર્જ કરાશે. ઈન્સ્ટિટયુટ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, વિદ્યાર્થીઓએ અગાઉ ચુકવેલી રજિસ્ટ્રેશન ફી નવેમ્બરની પરીક્ષામાં માફ કરાશે. એટલે કે વિદ્યાર્થીઓએ નવેસરથી ફી નહી ભરવી પડે. મે મહિનાની પરીક્ષા હવે નવેમ્બરમાં આપી શકાશે. મે મહિનાની પરીક્ષા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને નવેમ્બરની પરીક્ષા માટે અરજી કરતી વખતે તેમના ગ્રુપ અને પરીક્ષા કેન્દ્ર બદલવાના વિકલ્પ મળશે. હવે નવેમ્બરમાં બંને સાયકલના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એટલે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધી જશે.

national news coronavirus covid19 lockdown