જે દિવસે ભારતે ઇઝરાયલને માન્યતા આપી એ જ દિવસે મારો જન્મ થયો

26 February, 2026 09:36 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલની સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન...

ગઈ કાલે ઇઝરાયલના પાટનગર તેેલ અવિવમાં ભારતીય સમુદાયે નરેન્દ્ર મોદીનું સાંસ્કૃતિક સ્વાગત કર્યું હતું.

ઇઝરાયલની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારતે જે દિવસે ઇઝરાયલને માન્યતા આપી હતી એ ૧૯૫૦ની ૧૭ સપ્ટેમ્બરે મારો જન્મ થયો હતો.

નેસેટને સંબોધન કરનારા નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડા પ્રધાન છે. સંસદમાં પહોંચ્યા પછી સંસદસભ્યોએ ઊભા થઈ તાળીઓ પાડીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને ‘મોદી’, ‘મોદી’ના નારા લગાવ્યા હતા. ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધન કરનારા તેઓ ભારતના પહેલા વડા પ્રધાન છે અને આ એક ખાસ સન્માન છે જે વિશ્વના બહુ ઓછા નેતાઓને મળે છે.

ઇઝરાયલી સંસદને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઇઝરાયલી સંસદ સમક્ષ ઊભા રહેવું એ મારા માટે એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. ભારતના વડા પ્રધાન તરીકે અને એક પ્રાચીન સભ્યતાના પ્રતિનિધિ તરીકે હું બીજી પ્રાચીન સભ્યતાને સંબોધિત કરી રહ્યો છું. હું ૧૪૦ કરોડ ભારતીયો તરફથી શુભેચ્છાઓ અને મિત્રતા, આદર અને ભાગીદારીનો સંદેશ લઈને આવ્યો છું.’

૨૦૨૩ની ૭ ઑક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હમાસના હુમલાને યાદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ગમે એ કારણોસર નાગરિકોની હત્યા વાજબી ઠેરવી શકાય નહીં અને આતંકવાદ ક્યારેય વાજબી ઠેરવી શકાય નહીં. ભારત લાંબા સમયથી આતંકવાદનું દુઃખ સહન કરી રહ્યું છે. અમને ૨૬ નવેમ્બરના મુંબઈ હુમલા યાદ છે જેમાં ઇઝરાયલી નાગરિકો સહિત ઘણા નિર્દોષ લોકોના જીવ ગયા હતા. તમારી જેમ ભારત આતંકવાદ સામે મજબૂત નીતિ ધરાવે છે જેમાં કોઈ બેવડાં ધોરણો નથી. આતંકવાદ સમાજને અસ્થિર કરે છે, વિકાસને અવરોધે છે. આતંકવાદ શાંતિ માટે ખતરો છે.’

ગાઝા શાંતિ પહેલને સમર્થન

નરેન્દ્ર મોદીએ ગાઝા શાંતિ પહેલને સમર્થન આપતાં કહ્યું હતું કે ‘ભારત આ પહેલને મજબૂત સમર્થન આપે છે. અમને વિશ્વાસ છે કે આ પહેલ પૅલેસ્ટીનિયન મુદ્દા સહિત પ્રદેશના તમામ લોકો માટે ન્યાય અને કાયમી શાંતિ લાવી શકે છે. આપણાં બધાં કાર્યો સમજદારી, હિંમત અને માનવતા પર આધારિત હોવાં જોઈએ. શાંતિનો માર્ગ સરળ નથી, પરંતુ ભારત આ ક્ષેત્રમાં વાતચીત, શાંતિ અને સ્થિરતા માટે તમારી અને વિશ્વની સાથે ઊભું છે.’

યહૂદીઓ ભારતમાં ભય વિના જીવે છે

ભારતમાં રહેતા યહૂદી સમુદાય વિશે બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘યહૂદી સમુદાય ભારતમાં ભય, સતામણી કે ભેદભાવ વિના રહે છે. તેમણે પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને સમાજમાં સંપૂર્ણ રીતે ભાગ લીધો છે. ઇઝરાયલની ભૂમિ સાથે ભારતનું જોડાણ લોહી અને બલિદાનમાં પણ મૂળ ધરાવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન આ ક્ષેત્રમાં ૪૦૦૦થી વધુ ભારતીય સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારત ઇઝરાયલના દૃઢ નિશ્ચય, હિંમત અને સિદ્ધિઓ માટે ઊંડો આદર ધરાવે છે. આપણા સંબંધો ૨૦૦૦ વર્ષથી વધુ જૂના છે, આપણે આધુનિક રાષ્ટ્ર બન્યા એ પહેલાં. એસ્થરના પુસ્તકમાં ભારતને હોડુ તરીકે ઓળખવામાં આવ્યું છે અને તાલમુદ પ્રાચીન સમયમાં ભારત સાથેના વેપારનો ઉલ્લેખ કરે છે. યહૂદી વેપારીઓ ભૂમધ્ય સમુદ્રને હિન્દી મહાસાગર સાથે જોડતા દરિયાઈ માર્ગો દ્વારા ભારતમાં આવ્યા હતા. તેઓ તક અને આદરની શોધમાં આવ્યા હતા અને ભારતમાં તેઓ અમારા પોતાના બની ગયા હતા.’

ઍરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું, પ્રાઇવેટ વાતચીત થઈ

નરેન્દ્ર મોદી ગઈ કાલે બે દિવસની ઇઝરાયલની મુલાકાત પહોંચ્યા ત્યારે બેન ગુરિયન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમનાં પત્ની સારાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બે દિવસની મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદી બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયલના પ્રેસિડન્ટ આઇઝૅક હર્ઝોગ સાથે મુલાકાત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નેતન્યાહુએ રાજધાની તેલ અવિવના ઍરપોર્ટ પર સ્વાગત બાદ પ્રાઇવેટ વાતચીત પણ કરી હતી. ત્યાર બાદ તેઓ તેમની હોટેલ ગયા હતા, જ્યાં ભારતીય પ્રવાસીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એ સમયે કલાકારોએ પણ પર્ફોર્મન્સ આપ્યો હતો.

ઇઝરાયલી સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્પીકર આ‍ૅફ ધ નેસેટ મેડલથી સન્માનિત

ઇઝરાયલી સંસદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’થી સન્માનિત કર્યા હતા, જે નેસેટ દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ મેડલ ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપે છે.

મોદી મારા મિત્ર, મારા ભાઈ જેવા: બેન્જામિન નેતન્યાહુ

મોદી પહેલાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના મહાન મિત્ર છે. મોદી મારા ભાઈ જેવા છે અને મારા હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. તેઓ એક આદરણીય વિશ્વ-નેતા છે.’

ભારતમાં યહૂદીઓ પર અત્યાચાર થયો નથી 

સંસદને સંબોધતી વખતે ભારતની પ્રશંસા કરતાં બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ‘ભારત એક એવી સભ્યતા છે જ્યાં યહૂદીઓ પર ક્યારેય અત્યાચાર થયો નથી. ઇતિહાસમાં ઘણા દેશોમાં યહૂદીઓ પર અત્યાચાર થયો છે, પરંતુ ભારતે હંમેશાં તેમને સ્વીકાર્યા છે અને તેમનું સન્માન કર્યું છે. ભારત એક એવી સભ્યતા છે જ્યાં યહૂદીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. અમે આ ક્યારેય ભૂલીશું નહીં. આ માટે ભારતનો આભાર.’

અનેક વિષયો પર ચર્ચા થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહુ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરશે. બૉન્ને નેતાઓ વિજ્ઞાન અને ટેક્નૉલૉજી, ઇનોવેશન, સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, વૉટર મૅનેજમેન્ટ, વેપાર અને અર્થતંત્ર સહિત પીપલ-ટુ-પીપલ સહયોગ માટેની તકો પર ચર્ચા કરશે. બન્ને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરે એવી અપેક્ષા છે.

national news india narendra modi israel indian government gaza strip