રામલલ્લાને આઝાદ જોવા ઇચ્છું છું હું

04 December, 2014 06:01 AM IST  | 

રામલલ્લાને આઝાદ જોવા ઇચ્છું છું હું


બાબરી મસ્જિદ કેસના સૌથી વધુ વયોવૃદ્ધ પક્ષકાર મોહમ્મદ હાશિમ અન્સારી હવે આ કેસને આગળ નહીં વધારે. હવે હું રામલલ્લાને આઝાદ જોવા ઇચ્છું છું એમ ગઈ કાલે કહીને મોહમ્મદ હાશિમ અન્સારીએ બધાને ચોંકાવી દીધા છે. મુસ્લિમો દ્વારા છઠ્ઠી ડિસેમ્બરે યોજવામાં આવનારી યૌમે ગમ એટલે કે શોક દિવસની ઉજવણીમાં પણ પોતે ભાગ લેશે નહીં એવું પણ મોહમ્મદ હાશિમ અન્સારીએ જણાવ્યું હતું.

ઍક્શન કમિટી મનાવી લેશે

જોકે બાબરી મસ્જિદ ઍક્શન કમિટીના સંયોજક ઝફરયાબ જિલાનીએ જણાવ્યું હતું કે તેઓ નારાજ થયેલા મોહમ્મદ હાશિમ અન્સારીને મનાવી લેશે. મોહમ્મદ હાશિમ અન્સારીના નિર્ણયને સારો ગણાવતાં રામજન્મભૂમિના મુખ્ય પક્ષકાર પૂજારી રામદાસે કહ્યું હતું કે ‘બાબરી મસ્જિદ ઍક્શન કમિટી છઠ્ઠી ડિસેમ્બરે કાળો દિવસ ઊજવવાની છે, ત્યારે મોહમ્મદ હાશિમ અન્સારીનો આ નિર્ણય આવી પડ્યો છે. બધા મુસ્લિમ પક્ષકારોએ આ નિર્ણયમાંથી પાઠ ભણવો જોઈએ. રામલલ્લા હિન્દુઓની શ્રદ્ધાનું પ્રતીક છે. તેમના જન્મસ્થાને મંદિર બનવું જ જોઈએ.’

બાબરીના રાજકારણથી દુખી

બાબરી મસ્જિદના નામે ચાલી રહેલા રાજકારણથી દુખી મોહમ્મદ હાશિમ અન્સારીએ કહ્યું હતું કે ‘રામ કામચલાઉ ઢાંચામાં રહે છે અને એમના નામે રાજકારણ રમતા લોકો મહેલોમાં રહે છે. તે લોકો લાડુ ખાય છે અને રામલલ્લાને મળે છે એલચી. એવું નહીં ચાલે. હું હવે રામલલ્લાને આઝાદ જોવા ઇચ્છું છું.’

બસ, હવે બહુ થયું

લાંબા સમયથી ચાલી રહેલી કેસની કાર્યવાહીથી નિરાશ થયેલા મોહમ્મદ હાશિમ અન્સારીએ ઉમેર્યું હતું કે ‘મેં સમાધાનના પ્રયાસ કર્યા ત્યારે હિન્દુ મહાસભાએ સુપ્રીમ ર્કોટમાં ધા નાખી હતી. હિન્દુ-મુસ્લિમોને એકઠા કરીને સમાધાન માટે મહંત જ્ઞાનદાસે પણ ઘણા પ્રયાસ કર્યા હતા, પણ હવે સૃષ્ટિના અંત સુધી આ કેસનો ચુકાદો આવવાનો નથી. વળી આ મુદ્દે ઘણા રાજકારણીઓ પોતાના રોટલા શેકી રહ્યા છે. બસ, હવે બહુ થયું.’

નરેન્દ્ર મોદી સારા માણસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં મોહમ્મદ હાશિમ અન્સારીએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી આવી બાબતોનો રાજકીય ફાયદો નથી ઉઠાવતા. નરેન્દ્ર મોદી તો મુસ્લિમોની મદદ કરતા સારા માણસ છે. બનારસમાં અન્સારી લોકો માટે નરેન્દ્ર મોદીએ ઘણું કામ કર્યું છે અને હું પણ અન્સારી છું, એટલે હું નરેન્દ્ર મોદીને સાથ આપીશ.’