મેં જ ઇમરાન ખાનને વડા પ્રધાન બનાવ્યો : મિયાદાદ

13 August, 2020 08:28 AM IST  |  Mumbai Desk | Agencies

મેં જ ઇમરાન ખાનને વડા પ્રધાન બનાવ્યો : મિયાદાદ

જાવેદ મિયાંદાદ

લાહોર : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ખોટા લોકોની ભરતી કરવાનો આરોપ લગાવતાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન જાવેદ મિયાદાદે યુટ્યુબ ચૅનલ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે પોતાને ખુદા માનવા લાગ્યા છે. તેમને એમ લાગે છે કે દેશમાં પીસીબી ચલાવવા માટે લાયક લોકો છે જ નહીં. દેશ અને ક્રિકેટની ખરાબ હાલત માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને જવાબદાર ઠરાવતાં તેમણે એવો દાવો કર્યો હતો કે ઇમરાન ખાન મારી મદદથી વડા પ્રધાન બન્યા હતા, પણ તેમણે દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે. હવે હું તેમને રાજકારણ શીખવાડીશ.
ઇમરાન ખાન પર પોતાની મનમાની કરવાનો આરોપ મૂકતાં તેમણે કહ્યું હતું કે જે લોકો દેશ સાથે ખોટું કરશે તેમને હું નહીં છોડું. મારી કહેલી કોઈ પણ વાત જો ખોટી હોય તો તે એનું ખંડન કરી શકે છે. દેશમાં પીસીબી ચલાવવા કોઈ લાયક માણસ નથી એમ માનીને તેમણે ક્રિકેટ બોર્ડમાં એવા વિદેશીઓની નિમણૂક કરી છે જેમને ક્રિકેટ વિશે કોઈ માહિતી નથી. જો બોર્ડમાં બેઠેલા વિદેશીઓ ભ્રષ્ટાચાર કરીને નાસી ગયા તો એ માટે કોણ જવાબદાર રહેશે?
૧૯૯૨માં વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્ય રહી ચૂકેલા જાવેદ મિયાદાદે ઇમરાન ખાન પર દેશના ક્રિકેટરોને બેરોજગાર બનાવવાનો આરોપ મૂકતાં કહ્યું હતું કે ઇમરાન ખાને જાણી જોઈને ક્રિકેટ ડિપાર્ટમેન્ટને બંધ કરી ખેલાડીઓને બેરોજગાર બનાવ્યા છે.

ભૂતપૂર્વ ક્રિકેટરે ઇમરાનને વિશ્વાસઘાતી ગણાવી તેને રાજકારણ શીખવવાની આપી ચૅલેન્જ

પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની દાયકાઓ જૂની મિત્રતા સમાપ્ત

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને લોન અને તેલનો પુરવઠો આપવાનું બંધ કર્યું હોવાથી બન્ને દેશો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા આખરે સમાપ્ત થઈ ગઈ, એમ મિડલ ઈસ્ટ મોનિટરના અહેવાલમાં જણાવાયું હતું.
પાકિસ્તાને પણ સાઉદી અરેબિયાને ૧ અબજ ડૉલર પાછા ચૂકવવાની તૈયારી કરી હતી, જે નવેમ્બર ૨૦૧૮માં સાઉદી અરેબિયા દ્વારા ઘોષિત કરવામાં આવેલા ૬.૨ અબજ ડૉલરના પૅકેજનો ભાગ હતો, જેમાં ૩.૨ અબજ ડૉલરની લોન અને ઑઇલ ક્રેડિટ સુવિધાનો સમાવેશ થાય છે.
મિડલ ઈસ્ટ મોનિટરના અહેવાલમાં જણાવાયા મુજબ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાને પાકિસ્તાનની મુલાકાત લીધી હતી ત્યારે આ સોદા પર હસ્તાક્ષર કરાયા હતા.

pakistan imran khan