મેં આ ગામને નહીં, આ ગામે મને દત્તક લીધો છે

08 November, 2014 04:44 AM IST  | 

મેં આ ગામને નહીં, આ ગામે મને દત્તક લીધો છે



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંનું જયાપુર ગામ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ઔપચારિક રીતે ગઈ કાલે દત્તક લીધું હતું અને આમ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. કન્યાભ્રૂણ હત્યા પર પૂર્ણવિરામ મૂકીને દીકરીઓના જન્મને ઉત્સવની માફક ઊજવવાની હાકલ પણ તેમણે કરી હતી.

વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘જયાપુર દત્તક લેવા બાબતે કંઈકેટલીયે કથાઓ મીડિયામાં ચાલી રહી છે, પણ હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી વારાણસીથી ચૂંટણી લડવા માટે કરી ત્યારે આ ગામમાં દુર્ઘટના સર્જાયાના સમાચાર આવ્યા હતા અને એ વખતે જયાપુરનું નામ મેં પહેલી વાર સાંભળ્યું હતું.’

ખબરઅંતર પૂછ્યા

વડા પ્રધાને જે દુર્ઘટનાની વાત કરી એમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન હાઈ ટેન્શન વાયરમાંથી કરન્ટ ઊતરી જતાં ધમાચકડી થઈ ગઈ હતી. એમાં કેટલાક ગ્રામજનો મૃત્યુ પામ્યા હતા અને કેટલાક અન્ય ઘાયલ થયા હતા. ૨૦૧૪ની ૧૦ એપ્રિલે ગામના સરપંચને ફોન કરીને નરેન્દ્ર મોદીએ બધાના ખબરઅંતર પૂછ્યા હતા.

ગામનો વિકાસ કેમ નહીં?


વડા પ્રધાને કહ્યું હતું કે ‘મેં આ ગામને દત્તક નથી લીધું, આ ગામે મને દત્તક લીધો છે. ગામડામાંથી જે પાઠ ભણવા મળે છે એ ક્યાંયથી ભણવા નથી મળતા. આટલી યોજનાઓ ચાલે છે, ઢગલાબંધ નાણાં ખર્ચાય છે એમ છતાં ગામડાંઓનો વિકાસ કેમ નથી થતો? એનાં કારણો જાણવા મેં સચિવોને જણાવ્યું છે.’

જાતે સાફસફાઈ

ટીવી પર છેલ્લા ઘણા દિવસોથી જયાપુર ચમકી રહ્યું છે. સરકારી અધિકારીઓ અહીં આવી રહ્યા છે. ગામમાં સાફસફાઈથી ગામવાસીઓ પણ રાજી છે એમ જણાવીને મોદીએ ગામલોકોને સવાલ કર્યો હતો કે આવી સાફસફાઈ આપણે જાતે ન કરી શકીએ? બધી

બાબતો માટે સરકાર પર નર્ભિર નહીં રહેવાનો આગ્રહ પણ વડા પ્રધાને ગામલોકોને કર્યો હતો.

સ્વચ્છતાનો મંત્ર

સ્વચ્છતાનું મહત્વ સમજાવતાં વડા પ્રધાને કહ્યું હતું કે જમતાં પહેલાં હાથ નહીં ધોતાં હોવાને કારણે પાડોશી દેશનાં ૪૦ ટકા બાળકો મૃત્યુ પામે છે. ગ્રામજનોએ પ્રતિજ્ઞા કરવી જોઈએ કે તેમનાં બાળકો બરાબર હાથ સાફ નહીં કરે ત્યાં સુધી તેમને જમવા દેશે નહીં.

ગામનો જન્મદિવસ

ગ્રામવિકાસની વાત વિગતવાર કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘આપણે ભલે ગમે એટલા આગળ વધીએ, પણ આપણને જેમણે આગળ વધાર્યા છે એ લોકોની પ્રગતિ માટે પણ કોઈ યોજના હોવી જોઈએ એવો મારો પ્રયાસ છે. આપણે ગામનો જન્મદિવસ ઊજવવો જોઈએ અને એમાં બધાએ ભાગ લેવો જોઈએ. આ પ્રસંગે વૃદ્ધોનું સન્માન કરવું જોઈએ.’

બૅન્કો માટે પૅકેજ

વારાણસીના લાલપુરમાં ટ્રેડ ફેલિસિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાને પૂર્વ ઉત્તર પ્રદેશની ૧૬ જિલ્લા સહકારી બૅન્કો માટે ૨૩૭૫ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી હતી અને વૈશ્વિક માર્કેટનો લાભ ઉઠાવવાની હાકલ વણકરોને કરી હતી. વડા પ્રધાને વણકરોને ઑનલાઇન બિઝનેસ ક્ષેત્રનો લાભ લેવાની સલાહ પણ આપી હતી.

કન્યાભ્રૂણની હત્યા કરીશું તો શું થશે?

કન્યાભ્રૂણહત્યાની સમસ્યાનો ખ્યાલ આપતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘કન્યાની માતાના ગર્ભમાં જ હત્યા કરીશું તો દુનિયાનું શું થશે? દર ૧૦૦૦ છોકરાઓ સામે ૮૦૦ છોકરીઓ જન્મે છે. એટલે ૨૦૦ છોકરા અપરિણીત રહેશે. કન્યાભ્રૂણની હત્યા રોકવાનું કામ સરકાર કરશે?’

જયાપુરની અત્યારની હાલત કેવી છે?

વડા પ્રધાને જયાપુરને આદર્શ ગામ બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ વાસ્તવિકતા નિરાશાજનક છે. અંદાજે ૪૨૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નથી અને શૌચાલય પણ નથી. સ્કૂલના નામે માત્ર એક પ્રાથમિક શાળા છે, પણ ચાર કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ ગામના ૮૦ ટકા લોકો સાક્ષર છે. આમ છતાં નાગરિક સુવિધાઓના નામે મીંડું છે. વીજળી, પીવાનું સ્વચ્છ પાણી, ગટર અને અપ્રોચ રોડ એવું કંઈ નથી આ ગામમાં. જે થોડીઘણી સુવિધાઓ છે એ જૂજ લોકોના અંગત પ્રયાસોને કારણે મળેલી છે.