દબાણથી રાજીનામું નથી આપ્યું, પણ હું કોઈ અનુગામીનું નામ નહીં સૂચવું:યેદિયુરપ્પા

27 July, 2021 02:17 PM IST  |  Banglore | Agency

સક્રિય રાજકારણમાં ભાગ લેવાની તેમની કોઈ ઇચ્છા નથી પરંતુ પક્ષને આગળ વધારવામાં અને સત્તા ટકાવવામાં સતત પ્રયત્નશીલ રહેશે.

બૅન્ગલોરમાં ગઈ કાલે કર્ણાટકના મુખ્ય પ્રધાનપદેથી ધાર્યા મુજબ રાજીનામું આપ્યા પછી ભાવુક થઈ ગયેલા બી. એસ. યેદિયુરપ્પા. પી.ટી.આઇ.

પદત્યાગ કરી રહેલા કર્ણાટકના વચગાળાના મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ ગઈ કાલે સવારે રાજ્યપાલ થાવરચંદ ગહલોતને રાજીનામું આપ્યું હતું અને પછી સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ માટે તેમના પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ દબાણ નહોતું કરવામાં આવ્યું.
જોકે તેમણે કહ્યું હતું કે તેમણે રાજીનામું આપી દીધું એ પછી હવે તેઓ પોતાના અનુગામી તરીકે કોઈનું પણ નામ નહીં સૂચવે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે યેદિયુરપ્પા પોતાની જ છાવણીમાંથી ઉમેદવાર રજૂ કરવા કોઈ કસર નહીં છોડે.
બીજેપીના મોવડીઓ યેદિયુરપ્પાના અનુગામી નક્કી કરવા કેન્દ્રીય નિરીક્ષકો નીમશે.
યેદિયુરપ્પાએે નવા મુખ્ય પ્રધાનની નિમણૂક માટે માર્ગ મોકળો કરવાના હેતુથી સ્વૈચ્છિક રીતે પદત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે મુખ્ય પ્રધાનના પદ પરથી છૂટા થયા બાદ તેઓ કોઈ હોદ્દો નહીં સંભાળે તેમ છતાં પક્ષની સેવા કરવાનું ચાલુ રાખશે. સક્રિય રાજકારણમાં ભાગ લેવાની તેમની કોઈ ઇચ્છા નથી પરંતુ પક્ષને આગળ વધારવામાં અને સત્તા ટકાવવામાં સતત પ્રયત્નશીલ રહેશે.

મતદારક્ષેત્રમાં લોકોએ વિરોધમાં બંધ પાળ્યો
યેદિયુરપ્પાએ ગઈ કાલે મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું એને પગલે શિકારીપુરા નામના તેમના મતવિસ્તારમાં લોકોએ તેમના આ નિર્ણય સામેના વિરોધમાં દુકાનો અને બીજા એકમો બંધ રાખ્યાં હતાં.

મારા પિતાએ રવિવારે રાત્રે સૂતા પહેલાં જ નિર્ણય લઈ લીધેલો : યેદિયુરપ્પાની પુત્રી અરુણાદેવી

વિદાય લઈ રહેલા કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાની મોટી પુત્રી એસ. વાય. અરુણાદેવીએ આઇ.એ.એન.એસ.ને મુલાકાતમાં કહ્યું હતું કે ‘મને મારા પિતાના રાજીનામાના નિર્ણયથી આશ્ચર્ય થયું છે. જોકે, તેમણે હોદ્દો છોડવાનો મહત્ત્વનો નિર્ણય કદાચ રવિવારે રાત્રે સૂતા પહેલાં જ લઈ લીધો હતો. મારા પિતા એવા છે જેઓ એક વાર કોઈ નિર્ણય લે એને પછી વળગી રહે છે. સોમવારે મુખ્ય પ્રધાનપદ પર બે વર્ષ પૂરાં કર્યાં એ અવસરે તેઓ શું નિર્ણય જાહેર કરશે એની તેમણે અમને કોઈને જાણ નહોતી કરી.’

national news