મહિલાઓ પર અત્યાચારના આરોપ મૂક્યા અને હવે રાહુલ કહે છે કે ‘એના વિશે મને યાદ નથી’

20 March, 2023 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહિલાઓના સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ વિશે ભારત જોડો યાત્રા દરમ્યાન કરેલા સ્ટેટમેન્ટ સંબંધમાં દિલ્હી પોલીસ સવાલો પૂછવા ગઈ ત્યારે કૉન્ગ્રેસના નેતાએ આવો જવાબ આપ્યો હતો

નવી દિલ્હીમાં ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને પોલીસની હાજરીનો વિરોધ કરી રહેલા કૉન્ગ્રેસના સપોર્ટર્સની અટકાયત કરી રહેલી પોલીસ. તસવીર પી.ટી.આઇ.

દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓ ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જેનું કારણ કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન મહિલાઓના સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ વિશે રાહુલે આપેલું એક સ્ટેટમેન્ટ છે. પોલીસે આ પહેલાં ૧૬મી માર્ચે રાહુલને નોટિસ આપી હતી અને આ યાત્રા દરમ્યાન સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના મામલે તેમની સમક્ષ રજૂઆત કરનારી મહિલાઓની વિગતો આપવા જણાવ્યું હતું. 

સ્પેશ્યલ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) સાગર પ્રીત હૂડાના નેતૃત્વમાં પોલીસની ટીમ નવી દિલ્હીમાં રાહુલના નિવાસસ્થાને પહોંચી હતી. આ ટીમ રાહુલના નિવાસસ્થાનની બહાર એક કલાક કરતાં વધારે સમય સુધી ઊભી રહી હતી, જેના પછી રાહુલ તેમને મળ્યા હતા. એ પછી પોલીસની ટીમ નીકળી ગઈ હતી અને તરત રાહુલ પણ તેમના ઘરેથી જતા જોવા મળ્યા હતા. 

સોર્સિસ અનુસાર રાહુલે પોલીસને જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા ખૂબ લાંબી હતી અને તેમને કંઈ પણ યાદ નથી. એ પછી પોલીસે તેમને બીજી નોટિસ આપીને જણાવ્યું હતું કે તેમના સ્ટેટમેન્ટને રેકૉર્ડ કરવામાં આવશે. જોકે તેમણે એના માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવી નથી. 

કૉન્ગ્રેસે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘ભારત જોડો યાત્રા અને રાહુલ ગાંધીએ મહિલાઓને પોતાની સમસ્યાઓ અને પીડાને શૅર કરવા માટે એક સુર​​િક્ષત મંચ આપ્યું હતું. દિલ્હી પોલીસનું આ શરમજનક કૃત્ય પુરવાર કરે છે કે અદાણીના મામલે અમારા સવાલોથી પીએમ મોદી ગભરાઈ ગયા છે. આવી હરકતોથી અમારા ઇરાદા વધારે મજબૂત થયા છે. અમે જવાબ લઈને રહીશું.’

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ અને રાજ્યસભાના સંસદસભ્યો અભિષેક મનુ સિંઘવી અને જયરામ રમેશ સહિત કૉન્ગ્રેસના ટોચના નેતાઓ પણ રાહુલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કૉન્ગ્રેસના અનેક વર્કર્સ પણ રાહુલના નિવાસસ્થાનની બહાર પોલીસની હાજરીનો વિરોધ કરવા માટે એકત્ર થયા હતા. પોલીસે વિરોધપ્રદર્શ ન કરી રહેલા કૉન્ગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. 

ભારત જોડો યાત્રા દરમ્યાન શ્રીનગરમાં રાહુલે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ‘મેં સાંભળ્યું છે કે મહિલાઓનું હજી પણ શારીરિક શોષણ થઈ રહ્યું છે.’

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કરી દિલ્હી પોલીસ ટીમ સાથે મુલાકાત, નોટિસ આપીને માગવામાં આવી માહિતી

રાહુલે દિલ્હી પોલીસની કાર્યવાહીને અદાણીના મુદ્દા સાથે સાંકળી

પોલીસ ગયા બાદ રાહુલ ગાંધી કાર ડ્રાઇવ કરીને બહાર ગયા હતા. તસવીર પી.ટી.આઇ.

દિલ્હી પોલીસની ટીમ રાહુલના નિવાસસ્થાને પહોંચી એના કલાકો બાદ તેમણે જવાબ આપ્યો હતો. તેમણે દિલ્હી પોલીસ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના વિસ્તારથી જવાબો આપવા માટે આઠથી દસ દિવસનો સમય માગ્યો હતો. પ્રાથમિક જવાબ મોકલાવતાં રાહુલ ગાંધીએ પોલીસની આ કાર્યવાહીને અભૂતપૂર્વ ગણાવી હતી. સાથે જ સવાલ કર્યો હતો કે આ કાર્યવાહીને અદાણી-હિંડનબર્ગના મુદ્દે સંસદમાં અને સંસદની બહાર તેમના દ્વારા લેવામાં આવેલા સ્ટૅન્ડની સાથે કોઈ નિસબત છે કે નહીં. રાહુલે દિલ્હી પોલીસે દાખવેલી ઉતાવળ બાબતે પણ સવાલ કર્યો હતો. 

યુકેમાં લોકશાહી વિશેનાં સ્ટેટમેન્ટ્સ વિશે ખુલાસો આપ્યો

રાહુલ ગાંધીએ ભારતની લોકશાહી વિશે લંડનમાં આપેલાં સ્ટેટમેન્ટ્સને લઈને ભારે હંગામો મચ્યો છે ત્યારે તેમણે શનિવારે સંસદીય સમિતિની મીટિંગમાં આ વિશે વિગતે વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે તેમણે માત્ર ભારતની લોકશાહી વિશે જ સવાલો ઉઠાવ્યા હતા અને એ બદલ તેમને દેશવિરોધી ગણાવી ન શકાય. રાહુલે એમ પણ કહ્યું હતું કે તેમણે બીજા કોઈ દેશને ભારતમાં હસ્તક્ષેપ કરવા પણ નહોતું જણાવ્યું. આ મીટિંગમાં વિદેશપ્રધાન એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. આ મીટિંગનો હેતુ ભારતની G20ની અધ્યક્ષતા વિશે ચર્ચા કરવાનો હતો. નોંધપાત્ર છે કે સંસદમાં અને સંસદની બહાર બીજેપીના નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો યુકેમાં ભારતની લોકશાહી વિશે નકારાત્મક સ્ટેટમેન્ટ્સ આપવા બદલ રાહુલની આકરી ટીકા કરી રહ્યા છે અને તેઓ માફી માગે એવી માગણી કરી રહ્યા છે.

national news rahul gandhi bharat jodo yatra congress delhi police new delhi