હું જ છું કૉન્ગ્રેસપ્રમુખ, મારી સાથે સીધી વાત કરો

17 October, 2021 10:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અસંતુષ્ટ નેતાઓને સોનિયા ગાંધીએ કારોબારી મીટિંગમાં સ્પષ્ટ સંભળાવ્યું

કૉન્ગ્રેસ કારોબારીની ગઈ કાલે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધી, એ.કે. એન્ટની, અંબિકા સોની અને ગુલામ નબી આઝાદ (તસવીર : પી.ટી.આઇ)

કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગમાં સોનિયા ગાંધીએ પાર્ટીના અસંતુષ્ટ વરિષ્ઠ નેતાઓને સીધો જવાબ આપ્યો છે. કેટલાક વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતાઓએ પક્ષમાં ચૂંટાયેલા પ્રમુખનો અભાવ હોવાની જાહેરમાં ફરિયાદ કરી છે, તેની સામે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તેઓ પોતે કૉન્ગ્રેસના ફુલટાઈમ પ્રમુખ છે અને સૌની માટે વાત કરવા ઉપલબ્ધ છે. તેમની સાથે વાત કરવા આગેવાનોએ મીડિયાનો સહારો લેવાની જરૂર નથી.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે દરેક સભ્ય પક્ષને ફરી બેઠો કરવા મથી રહ્યા છે. એ સફળ ત્યારે જ થશે જ્યારે આપણામાં સંપ, આત્મસંતુલન, શિસ્ત અને પક્ષના હિતને સર્વોચ્ચ રાખવાનું વલણ હશે.

કૉન્ગ્રેસના ૨૩ જેટલા વરિષ્ઠ નેતાઓએ કૉન્ગ્રેસ પક્ષમાં ચૂંટાયેલા પ્રમુખ ન હોવા સામે અસંતોષ પ્રગટ કર્યો હતો. તેમણે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે પ્રમુખની ગેરહાજરીમાં પક્ષના મહત્ત્વના નિર્ણયો કોણ લઈ રહ્યું છે. આ નેતાઓમાં કપીલ સિબ્બલ અને ગુલાબનબી આઝાદ પણ સામેલ છે.

સોનિયા ગાંધીએ કૉન્ગ્રેસ કમિટીની મીટિંગમાં કહ્યું હતું કે આપણે અહીં મુક્તમને પ્રામાણિક ચર્ચા કરી લેવી જોઈએ અને અહીંથી બહાર જે સંદેશ આપવામાં આવે તે કમિટીનો સામૂહિક નિર્ણય હોવો જોઈએ. સોનિયા ગાંધીએ કમિટી સામે પાર્ટીની આંતરિક નિમણૂકો માટેની ચૂંટણીનો કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. સોનિયા ગાંધીએ રાજ્યોમાં આવનારી ચૂંટણીઓ માટે કહ્યું હતું કે અનેક પડકાર હોવા છતાં આપણે સાથે મળીને પક્ષના હિતને સર્વોચ્ચ રાખીને કામ કરીશું તો આપણું પ્રદર્શન સારું જ હશે. કૉન્ગ્રેસપ્રમુખે તેમના ભાષણમાં એક વર્ષથી ચાલતા ખેડૂતોના વિરોધ પ્રદર્શન, લખીમપુર ખેરી હિંસા અને અર્થતંત્ર વિશે ઉલ્લેખ કરીને સરકારના વલણની આકરી ટીકા કરી હતી અને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધી ૨૦૨૨માં બનશે કૉન્ગ્રેસ પ્રેસિડન્ટ?

દિલ્હીમાં ચાલી રહેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવાની જોરશોરથી માગણી થઈ હતી.

આ માગણી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના સીનિયર નેતા અંબિકા સોની દ્વારા કરવામાં આવી છે.

આ માગણી વચ્ચે કૉંન્ગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ૨૦૨૨માં ૨૧ ઓગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે કૉન્ગ્રેસના પ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે.

આ અગાઉ બેઠકમાં હાજર રહેલા અશોક ગેહલોતે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રાહુલે કોંગ્રેસનું નેતૃત્વ કરવું જોઈએ અને બેઠકમાં હાજર દરેક લોકો આનું સમર્થન કરે છે. બંને નેતાઓની વાત સાંભળ્યા બાદ રાહુલે કહ્યું હતું કે તેઓ ફરી પાર્ટી અધ્યક્ષ બનવા પર વિચાર કરશે.

national news congress sonia gandhi