હું ડેન્ગીના મચ્છર કરતાં પણ વધારે ખતરનાક : કેજરીવાલ

11 November, 2012 04:02 AM IST  | 

હું ડેન્ગીના મચ્છર કરતાં પણ વધારે ખતરનાક : કેજરીવાલ



એક પછી એક ચાર સનસનાટીભર્યા ઘટસ્ફોટ કરીને ખળભળાટ મચાવી દેનાર ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના નેતા અરવિંદ કેજરીવાલે ગઈ કાલે પોતાને ડેન્ગી કરતાં પણ ખતરનાક મચ્છર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું ડેન્ગી કરતાં પણ ખતરનાક મચ્છર છું અને જો હું બીજેપી-કૉન્ગ્રેસને કરડીશ તો એમને પ્રૉબ્લેમ થઈ જશે.

શુક્રવારે કેજરીવાલે કાળાં નાણાંના મુદ્દે ઘટસ્ફોટ કરતાં અંબાણીભાઈઓ, જેટ ઍરવેઝના નરેશ ગોયલ, ડાબર જૂથના બર્મનબંધુઓ તથા કૉન્ગ્રેસનાં સંસદસભ્ય અનુ ટંડને કરોડો રૂપિયાની રકમ એચએસબીસી બૅન્કની જિનીવા બ્રાન્ચમાં જમા કરાવી હોવાનો દાવો કર્યો હતો. ગઈ કાલે કૉન્ગ્રેસે કહ્યું હતું કે કેજરીવાલનો હેતુ માત્ર લોકોને બદનામ કરવાનો છે. કૉન્ગ્રેસના પ્રવકત્તા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે જો કેજરીવાલ પાસે કોઈ પુરાવા હોય તો તેમણે સરકાર કે કોઈ એજન્સીને આપવા જોઈએ. મિડિયા સમક્ષ આરોપો મૂકવાથી માત્ર કેટલાક લોકોની બદનામી થશે, એ સિવાય બીજું કશું મેળવી શકાશે નહીં. કેજરીવાલે કહ્યું હતું કે હવે સરકારની જવાબદારી બને છે કે એ પુરાવાઓ શોધી કાઢે.