મુસ્લિમ નથી તો દાઢી કેમ વધારી છે?

22 December, 2014 05:59 AM IST  | 

મુસ્લિમ નથી તો દાઢી કેમ વધારી છે?



હૈદરાબાદ યુનિવર્સિટીના બે રિસર્ચ સ્કૉલર સ્ટુડન્ટ્સની ગુરુવારે પોલીસે અટક અને પિટાઈ કર્યા બાદ આ મામલો ગરમી પકડી રહ્યો છે. પોલીસે કહ્યું હતું કે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા બે સ્ટુડન્ટ્સની અટક કરી હતી; જ્યારે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે આરસી પુરમ પોલીસ-સ્ટેશને દેખાવો કર્યા હતા.

પોલીસે અટકમાં લીધેલા બે સ્ટુડન્ટ્સમાંથી એક આસામનો વિદ્યુત સાગર અને બીજો બિહારનો દિવાકર ઉપાધ્યાય છે. સ્ટુડન્ટ્સના જણાવ્યા પ્રમાણે તેઓ એક ચર્મકાર પાસે કામ માટે ઊભા હતા અને કૅમેરાથી ફોટા પાડી રહ્યા હતા ત્યારે પોલીસ આવી હતી અને અમે નજીકમાં આવેલા પોલીસ-સ્ટેશનના ફોટા લઈ રહ્યા છીએ એમ માનીને આઇડેન્ટિટી કાર્ડ બતાડવા કહ્યું હતું. દિવાકરના જણાવ્યા પ્રમાણે ‘પોલીસે મને પૂછ્યું કે તું મુસ્લિમ છો? જો મુસ્લિમ નથી તો દાઢી કેમ વધારી છે? તમારી પૂરતી ઓળખ આપો અને ક્યાંક આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવો છો અને બ્લાસ્ટ-બ્લાસ્ટની ફિરાકમાં તો નથીને? પૂછપરછ દરમ્યાન એક પોલીસે તો મને લાફો પણ માર્યો હતો.’

બાદમાં ૨૦ જેટલા સ્ટુડન્ટ્સે પોલીસ-સ્ટેશને દેખાવો કર્યા હતા અને આવા બેહૂદા વર્તન માટે પોલીસ લેખિતમાં માફી માગે એવી માગણી કરી હતી. બીજા સ્ટુડન્ટ વિદ્યુત સાગરે કહ્યું હતું કે ‘બીજા દિવસે અમે પોલીસ-સ્ટેશને ગયા તો ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. કદાચ અમે મુસ્લિમ હોત તો પણ આવો વ્યવહાર યોગ્ય છે? પોલીસ પાસેથી આવી જાતિવાદી અને સાંપ્રદાયિક વ્યવહારની અપેક્ષા રાખી શકાય? પોલીસ જ ધાર્મિક પૂર્વગ્રહોથી પીડાઈ રહી છે જે ગેરબંધારણીય છે.’

ડેપ્યુટી પોલીસ-સુપરિટેન્ડન્ટ સુંદર રેડ્ડીએ કહ્યું હતું કે ‘આ કમ્યુનિકેશન ગૅપનો કેસ લાગી રહ્યો છે, સ્ટુડન્ટ્સના કૅમેરામાંથી પોલીસ-સ્ટેશનના કે કોઈ વાંધાજનક ફોટા મળ્યા નથી. છતાં જો કોઈ પોલીસે કારણ વગર દાદાગીરી કરી હશે તો તેની સામે પગલાં લેવાશે.’