છડેચોક છેડતી સામેના ફાઇટિંગ સ્પિરિટની બે ગજબ ઘટના, જુઓ વીડિયો

01 December, 2014 03:37 AM IST  | 

છડેચોક છેડતી સામેના ફાઇટિંગ સ્પિરિટની બે ગજબ ઘટના, જુઓ વીડિયો




પહેલી ઘટના - હરિયાણામાં બસમાં ત્રણ રોમિયોની બે મર્દાનીઓએ ધોલાઈ કરી

હરિયાણાના રોહતકમાં ગઈ કાલે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં કૉલેજે જઈ રહેલી બે સગી બહેનોએ મળીને ત્રણ રોમિયોની ધુલાઈ કરી હતી. સ્ત્રીશક્તિના પરચાની આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે એક આરોપી યુવક બસમાં તેનાથી આગળની સીટ પર બેઠેલી એક યુવતી વિશે સતત અભદ્ર ટિપ્પણી કરતો હતો. આ છોકરીએ તેને ટોક્યો છતાં તેણે કમેન્ટ ચાલુ રાખી હતી ત્યાર બાદ બસમાં સવાર તેની બહેનને પણ તેની સામે અવાજ ઉઠાવ્યો, પરંતુ એથી તો આ યુવકના બે સાથી પણ કમેન્ટમાં જોડાયા હતા.


જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો



જોકે આવી કમેન્ટ્સથી ગળે આવી ગયેલી યુવતીનો પિત્તો ઊછળ્યો અને તેણે ક્યારના પરેશાન કરી રહેલા યુવકને તમાચો મારી દીધો હતો. આનાથી સમસમી ગયેલા રોમિયોએ આ છોકરીને ધક્કો મારી પછાડી દીધી હતી અને દાદાગીરી કરતાં તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. એથી ગુસ્સે ભરાયેલી તેની બહેને આ રોમિયોને દે ધનાધન લાત અને લાફા મારવા લાગી હતી અને પછી તો આ યુવતી રણે ચડી હતી અને પોતાનો બેલ્ટ કાઢીને મર્દાની બનીને ત્રણેને ફટકાર્યા હતા.

જોકે શરમજનક વાત તો એ હતી કે બસમાં બેઠેલા અન્ય પ્રવાસીઓ જાણે કંઈ બન્યું જ ન હોય એમ મૂક પ્રેક્ષક બની રહ્યા હતા. આખરે આ ત્રણેય યુવકો બસમાંથી ઉતરીને નાસી ગયા હતા. જોકે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ કુલદીપ, મોહિત અને દીપક નામના આરોપી ત્રણેય રોમિયોની ધરપકડ કરી હતી. પોલીસે આવી હિંમત દાખવવા બદલ બન્ને બહેનોને શાબાશી આપી હતી.

કૉલેજિયન યુવતીઓના પપ્પાએ કહ્યું હતું કે ગામની પંચાયતે આ કેસ પાછો ખેંચી લેવા દબાણ કર્યું છે, પરંતુ હું ઝૂકવાનો નથી.

બીજી ઘટના - છેડતીનો વિરોધ કરતાં સ્ટુડન્ટનું ક્લાસરૂમમાં મર્ડર


હૈદરાબાદની એક પ્રાઇવેટ કૉલેજના ક્લાસરૂમમાં છોકરીની છેડતી કરી રહેલા સિનિયર સ્ટુડન્ટે તેને રોકનારા ૧૯ વર્ષના સ્ટુડન્ટને માર મારતાં તેનું મોત થયાની ચોંકાવનારી ઘટના પોલીસમાં નોંધાઈ છે.

હૈદરાબાદના સુલતાન બઝાર ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર રાવુલા ગિરિધરે કહ્યું હતું કે ‘આરોપી સતીશ કોડેકરે કૉમર્સ સ્ટ્રીમના સેકન્ડ યરના સ્ટુડન્ટ હર્ષવર્ધન રાવ પર હુમલો કરતાં હર્ષવર્ધન ફસડાઈ પડ્યો હતો ત્યારે બેન્ચની ધાર પરના લોખંડના સળિયા પર તેનું માથું અફળાયું હતું. બેહોશ થઈ ગયેલા આ સ્ટુડન્ટને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.’

પોલીસે સતીશ વિરુદ્ધ મર્ડરનો કેસ નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. કૉલેજના સ્ટુડન્ટ્સના જણાવ્યા પ્રમાણે સિનિયર સ્ટુડન્ટ સતીશ દાદાગીરી કરીને ક્લાસરૂમમાં ઘૂસ્યો હતો અને હર્ષવર્ધનની ફ્રેન્ડની છેડતી કરી હતી તેથી હર્ષવર્ધને તેને રોક્યો હતો અને સતીશે મારામારી કરી હતી. જોકે પોલીસે આ રૅગિંગનો કેસ હોવાનો ઇનકાર કર્યો હતો.