ખુશખબર: ભારતમાં તૈયાર થઈ ગઈ છે કોરોનાની પહેલી વેક્સીન

30 June, 2020 05:26 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

ખુશખબર: ભારતમાં તૈયાર થઈ ગઈ છે કોરોનાની પહેલી વેક્સીન

તસવીર સૌજન્ય: ટ્વીટર

સંપુર્ણ દેશ લગભગ છેલ્લા છ મહિનાથી કોરોના વાયરસ (COVID-19) મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. તેની વેક્સીન શોધવાના પ્રયાસો પણ સતત ચાલી રહ્યાં છે. દરમિયાન ખુશખબર આવી છે કે, દેશમાં કોરોનાની પહેલી વેક્સીન 'કોવેક્સીન' તૈયાર થઈ ગઈ છે. હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની 'ભારત બાયોટેક'એ 'ઈન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચ' (ICMR) અને પુણેની 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી' સાથે મળીને આ વેક્સીન તૈયાર કરી છે. 'કોવેક્સીન'નું માણસો પર ટ્રાયલ કરવા માટે  ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. પ્રી-ક્લિનિકલ ટ્રાયલ સફળ થયા બાદ વેક્સીનને મંજૂરી મળી છે. દેશમાં માણસો પર તેનું ટ્રાયલ જુલાઈમાં શરૂ થશે.

ફાર્મા કંપની ભારત બાયોટેક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, વેક્સીનને હૈદરાબાદની જીનોમ વેલીમાં બીએસએલ-3 (બાયો-સેફ્ટી લેવલ 3) હાઈ કન્ટેનમેન્ટ ફેસિલિટીમાં વિકસિત કરવામાં આવી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO), સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ પહેલા અને બીજા તબક્કામાં હ્યુમન ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

ભારત બાયોટેક કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો.કૃષ્ણા એલ્લાએ કહ્યું હતું કે, અમને કોરોનાની વેક્સીન વિશે જાહેરાત કરવામાં ગર્વ છે. તે દેશમાં તૈયાર થનારી કોરોનાની પહેલી વેક્સીન છે. જેને ICMR અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના સપોર્ટ અને માર્ગદર્શનને કારણે આ પ્રોજેક્ટને મંજૂરી મળી. અમારું રિસર્ચ અને દવા તૈયાર કરનારી ટીમ થાક્યા વગર સતત કામ કરી રહી છે. તેને તૈયાર કરવા માટે દરેક જરૂરી ટેક્નિકની મદદ લેવામાં આવી રહી છે.

કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, પ્રી-ક્લિનિકલ ટ્રાયલમાં વેક્સીનના પરિણામ સારા રહ્યા છે. તે એકદમ સલામત છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ભારત બાયોટેક ઉપરાંત દેશની પાંચ અન્ય ભારતીય ફાર્મા કંપનીઓ વેક્સીન તૈયાર કરવાનું કામ કરી રહી છે.

coronavirus covid19 national news hyderabad