18 May, 2026 10:16 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૩ દિવસમાં વિમાનમાં બૉમ્બ મૂકવાની ૩ ધમકી મળી હતી જેને પગલે ઍરપોર્ટને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું હતું. ગઈ કાલે વહેલી સવારે ઍરપોર્ટની કસ્ટમર કૅર ટીમને એક ઈ-મેઇલ મળી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઍમ્સ્ટરડૅમથી હૈદરાબાદ આવી રહેલી ક્વાલા લમ્પુર ઍરવેઝની ફ્લાઇટમાં બૉમ્બ મૂકવામાં આવ્યો છે અને વિમાન કોઈ પણ સમયે વિસ્ફોટ કરી શકે છે. માત્ર ૩ દિવસમાં આવી ત્રીજી ધમકી મળવાથી ઍરપોર્ટની અધિકારીઓ અને સુરક્ષા-એજન્સીઓમાં ચિંતા વધી ગઈ છે. આવી ધમકી હોવા છતાં ફ્લાઇટ ઍરપોર્ટ પર સુરક્ષિત ઊતરી હતી. લૅન્ડિંગ પછી તરત જ અધિકારીઓએ સાવચેતીના પગલા તરીકે વિમાનને આઇસોલેશન બેમાં ખસેડ્યું હતું અને સુરક્ષા-એજન્સીઓએ ઍરપોર્ટના અધિકારીઓ સાથે મળીને વિમાન અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું પણ કંઈ વાંધાજનક મળ્યું નહોતું.
આ પહેલાં શનિવારે મલેશિયાથી આવી રહેલી ઍર એશિયાની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. શુક્રવારે જર્મનીના ફ્રૅન્કફર્ટથી આવી રહેલી લુફ્થાન્સાની ફ્લાઇટ LH-754માં બૉમ્બ મૂકવામાં આવ્યો હોવાની અને વિમાન ઍરપોર્ટ પર પહોંચે એ પહેલાં જ વિસ્ફોટ થઈ જવાની ધમકી ઈ-મેઇલમાં આપવામાં આવી હતી. જોકે ત્રણેય ફ્લાઇટે સુરક્ષિત ઉતરાણ કર્યું હતું. ઈ-મેઇલના સ્રોતને શોધવા અને આ ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે કે કેમ એ નક્કી કરવા તપાસ ચાલી રહી છે.