કાનપુર પાસે રેલ અકસ્માત, પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા

20 April, 2019 10:22 AM IST  |  કાનપુર

કાનપુર પાસે રેલ અકસ્માત, પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા

કાનપુર પાસે રેલ અકસ્માત

હાવડા- નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસના શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના બની ત્યારે મોટા ભાગના લોકો સુતા હતા. જો કે મોટી રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. 50 થી 60 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ યાત્રિકો માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવી. જે 900 યાત્રિકોને લઈને કાનપુરથી રવાના થઈ છે. અકસ્માતનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું.

પૂર્વા એક્સપ્રેસ જે જગ્યાએ પાટા પરથી ઉતરી ગઈ તે, કાનપુરથી લગભગ 15 કિલોમીટર દૂર છે. મળતી માહિતી પ્રમાણે 12માંથી 4 ડબ્બા તો સંપૂર્ણ રીતે પલટી ગયા. મહામુશ્કેલીથી આ ડબ્બામાંથી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા. આ ચાર ડબ્બામાં રહેલા યાત્રિકોને સૌથી વધુ ઈજા થઈ છે. ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા અધિકારી, SSP અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને સ્થિતિની સમીક્ષા કરી. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 45 લોકોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી.

રેલવે તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાહત અને બચાવ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અકસ્માતમાં કોઈ પણ જાનહાની નથી થઈ. મુસાફરોને કાનપુર સેંટ્રલ લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી. રેલવેના અધિકારીઓએ કહ્યું કે મુસાફરોને કાનપુરથી દિલ્હી લઈ જવા માટે વધારાની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ તમે (મોદી) ઉદ્યોગપતિના ચોકીદાર, તો હું ખેડૂતોનો ચોકીદાર છું: રાહુલ ગાંધી

RPFના પ્રમાણે, પૂર્વા એક્સપ્રેસમાં આગળની બાજુએ જનરલ ડબ્બાઓ લાગેલા હતા, જ્યારે પેંટ્રી કારથી પાછળ એસી કોચ હતા. પેંટ્રી કારથી ટ્રેન બે ભાગમાં વહેંચાય ગઈ. અકસ્માતથી મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો.

kanpur indian railways