બ્રિટનમાં કઈ રીતે થશે રસીકરણનો કાર્યક્રમ?

04 December, 2020 03:11 PM IST  |  New Delhi | Agencies

બ્રિટનમાં કઈ રીતે થશે રસીકરણનો કાર્યક્રમ?

બેલ્જિયમમા આવેલા ફાઇઝર કંપનીના મેન્યુફેકચરીંગ પ્લાન્ટમાંથી રસી લઈને નીકળેલી ટ્રક

અમેરિકી દવા બનાવનારી કંપની ફાઇઝર અને જર્મનીની બાયોએનટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 વૅક્સિનને પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવાની મંજૂરી આપનારો બ્રિટન પ્રથમ દેશ બન્યો છે. આ રસીના પરીક્ષણ પરથી એ ૯૫ ટકા અસરકારક હોવાનું જણાયું છે.
બ્રિટન પાસે રસીના કેટલા ડોઝ છે એ વિશે જણાવાયું હતું કે બ્રિટને ૪ કરોડ ડોઝનો ઑર્ડર મૂક્યો છે. પ્રત્યેક વ્યક્તિએ ૨૧ દિવસના અંતરે બે ડોઝ લેવાના રહે છે. આ રસી ૧૬ વર્ષથી વધુ વયના નાગરિકોને આપવામાં આવનાર હોવાથી બ્રિટને વધુ ૫.૩ કરોડ લોકો માટે રસી લેવાની રહેશે.
ક્યારે શરૂ કરવામાં આવશે?
એમ મનાય છે કે બેલ્જિયમથી રસીનો પહેલો જથ્થો આવ્યા બાદ રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. આવતા અઠવાડિયે ૮ લાખ ડોઝ આવશે તથા ત્યાર બાદના અઠવાડિયે બીજા ડોઝ આવશે.
રસી કઈ રીતે રોલ આઉટ કરવામાં આવશે?
બ્રિટન સ્થાનિક જનરલ પ્રૅક્ટિશનર અને વિશેષ પ્રકારે બાંધવામાં આવેલાં રસીકરણ કેન્દ્રો સહિત વૅક્સિનના રોલ આઉટ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાનો ઉપયોગ કરશે. બ્રિટન વૅક્સિન લેવી ફરજિયાત નહીં કરે. જોકે સરકારી અને જાહેર આરોગ્ય સેવાના કર્મચારીઓ માટે એ લેવી ફરજિયાત હશે. જેમને કોવિડ-19ના સંક્રમણનો સૌથી વધુ ભય હોય તેમને સૌપ્રથમ રસી આપવામાં આવશે. મતલબ કે નર્સિંગ હોમના વયસ્ક પેશન્ટો તેમ જ તેમની સંભાળ રાખનારાઓ રસીકરણના ટૉપ પ્રાયોરિટી લિસ્ટમાં રહેશે. ત્યાર બાદના ક્રમે ૮૦ કરતાં વધુ વયના લોકો અને ફ્રન્ટલાઇન વર્કર્સ રહેશે. ત્યાર પછીના ક્રમે ૭૫, ૭૦ અને એ પ્રકારે ઊતરતા ક્રમના ૫૦ કરતાં વધુ વયના લોકોને રસી આપવામાં આવશે.

international news national news great britain