બરાબર બે વર્ષ પહેલાં ઍરફોર્સના પાઇલટ અભિનંદનનો છુટકારો કેવી રીતે થયો?

28 February, 2021 11:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બરાબર બે વર્ષ પહેલાં ઍરફોર્સના પાઇલટ અભિનંદનનો છુટકારો કેવી રીતે થયો?

પ્રતીકાત્મક તસવીર

બે વર્ષ પહેલાં ભારતના હવાઈ દળના મિગ-૨૧ વિમાનને પાકિસ્તાની મિસાઇલે તોડી પાડ્યા પછી વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને દુશ્મન દેશના તાબામાંથી છોડાવવામાં આવ્યા એ દિવસો તમામ ભારતીયો માટે ચિંતા અને શું બન્યું એ જાણવાની ઉત્સુકતાના હતા. પાકિસ્તાને ૨૭ ફેબ્રુઆરીએ વિન્ગ કમાન્ડર અભિનંદનની લોહી નીતરતી હાલતમાં હોવાની તસવીરો પ્રકાશિત કરી હતી. ત્યાર પછી તેમને છોડાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી દેશના જાસૂસી તંત્ર રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ (રૉ)ના વડા અનિલ ધસમાનાએ પાકિસ્તાનના જાસૂસી તંત્ર ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના વડા સૈયદ અસીમ મુનિર અહમદ શાહને સિક્યૉર લાઇન પર ફોન કર્યો હતો. ફોન પર અનિલ ધસમાનાએ પાઇલટ અભિનંદનને ઈજા પણ કરવામાં આવશે તો ગંભીર પરિણામોની આઇએસઆઇ ચીફને ધમકી આપી હતી. બે જાસૂસી તંત્રના વડા વચ્ચે ફોન પર વાતચીત બાદ તાત્કાલિક અભિનંદનને મુક્ત કરવાની પ્રોસીજર શરૂ કરવામાં આવી હતી.

૨૦૧૯માં બાલાકોટ ઍરસ્ટ્રાઇક પછી ૨૭ ફેબ્રુઆરીએ ભારતની સીમામાં રાજૌરી-મેંધાર સેક્ટરમાં પાકિસ્તાની હવાઈ દળનાં વિમાનો ધસી આવ્યાં હતાં. એ વિમાનોનો પીછો કરવા વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાને તાત્કાલિક મિગ-૨૧-બિસન વિમાનમાં ટેઇક ઑફ્ફ કર્યું હતું. જમ્મુના આકાશમાં અભિનંદન જૂના મિગ-૨૧-બિસન ઍરક્રાફ્ટમાં પાકિસ્તાનનાં કેટલાંક લડાયક વિમાનોને હંફાવતાં હતાં. તેમણે પાકિસ્તાનનું એક ફૉર્થ જનરેશન એફ-૧૬ ફાઇટર પ્લેન તોડી પાડ્યું એ જ વખતે તેમના વિમાન પર પણ શસ્ત્ર પ્રહાર થયો હતો. અભિનંદન તાત્કાલિક પેરાશૂટથી બહાર નીકળ્યા પછી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની જમીન પર ઊતર્યા હતા. ત્યાંના ગામડાના લોકોએ અભિનંદનને લશ્કરી અધિકારીઓને સોંપી દીધા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને ૨૮ ફેબ્રુઆરીએ સંસદ-નૅશનલ અસેમ્બલીમાં અભિનંદનને ‘શાંતિચાહનાના હેતુ’ રૂપે મુક્ત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. ૧ માર્ચે વાઘા-અટ્ટારી સરહદે ભારતીયોએ વીર વર્ધમાનની મુક્તિનો પ્રસંગ ટીવી ચૅનલ્સ પર નિહાળ્યો હતો.

national news