ગૃહિણી પણ છે પરિવારની કમાણી કરતી સભ્ય : અલાહાબાદ હાઈ ર્કોટ

28 November, 2012 05:39 AM IST  | 

ગૃહિણી પણ છે પરિવારની કમાણી કરતી સભ્ય : અલાહાબાદ હાઈ ર્કોટ



અલાહાબાદ હાઈ ર્કોટે ગઈ કાલે એક મહત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે ઘરકામ કરતી ગૃહિણી પણ પરિવારની કમાણી કરતી સભ્ય છે. ર્કોટે કહ્યું હતું કે વીમા કંપનીઓએ ઘરની ગૃહિણીઓને પણ કમાણી કરતી સભ્ય તરીકે ગણવી જોઈએ. ગૃહિણી પરિવારની સેવામાં વધુ ને વધુ સમય આપતી હોય છે તેથી એવું માનવું જોઈએ કે તે કામ કરીને આવક મેળવી રહી છે. એક ઍક્સિડન્ટમાં એક મહિલાના મોત બાદ વીમા કંપનીએ આ મહિલા ગૃહિણી હોવાથી પરિવારની કમાણી કરતી સભ્ય નથી એમ જણાવીને વીમાની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં સેશન ર્કોટે રિલાયન્સ જનરલ ઇન્શ્યૉરન્સ નામની વીમા કંપનીને રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને વીમા કંપનીએ હાઈ ર્કોટમાં પડકાર્યો હતો. જોકે હાઈ ર્કોટે વીમા કંપનીનો દાવો નકારતાં ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના ભરવલિયા નૌકા ટોલા નામની ગામની સાફિદા ખાતૂન નામની ૫૦ વર્ષની મહિલાનું ૨૦૧૧ની ૨૩ ફેબ્રુઆરીએ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માત ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો હોવાથી સાફિદાના પરિવારના સભ્યોએ દાવો દાખલ કર્યો હતો જેને સ્વીકારતાં જિલ્લા ર્કોટે વીમા કંપનીને ૨.૬૫ લાખ રૂપિયાનું વળતર તથા ખર્ચની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે વીમા કંપનીએ ગૃહિણીને વળતરની ચુકવણી અયોગ્ય ગણાવતાં હાઈ ર્કોટમાં અપીલ કરી હતી. હાઈ ર્કોટે એમ કહીને વીમા કંપનીનો દાવો નકાર્યો હતો કે ગૃહિણીની સેવાની અવગણના કરી શકાય નહીં.