30 May, 2025 11:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ ડિફેન્સ ટેક્નૉલૉજી ફર્મ માટે કામ કરતા અને કલવામાં રહેતા ૨૭ વર્ષના જુનિયર એન્જિનિયર રવીન્દ્ર મુરલીધર શર્મા પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઑપરેટિવને ભારત સરકારે પ્રતિબંધિત કરેલા વિસ્તારોની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આપતો હોવાથી બુધવારે તેને ઝડપી લીધો હતો. તેને હની-ટ્રૅપમાં ફસાવવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. રવીન્દ્રને કોર્ટમાં હાજર કરતાં તેને કોર્ટે સોમવાર સુધીની ATS કસ્ટડી આપી હતી.
ATSએ કરેલી તપાસમાં રવીન્દ્ર નવેમ્બર ૨૦૨૪માં ફેસબુકના માધ્યમથી પાકિસ્તાની જાસૂસના સંપર્કમાં આવ્યો હતો. પાકિસ્તાની જાસૂસ ફેસબુક પર પોતાને છોકરી દર્શાવતો હતો. નવેમ્બર ૨૦૨૪થી લઈને માર્ચ ૨૦૨૫ સુધી રવીન્દ્રએ દેશની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી એ પાકિસ્તાની જાસૂસને વૉટ્સઍપ પર આપી હતી. મૂળમાં રવીન્દ્ર ડિફેન્સ ટેક્નૉલૉજીની ફર્મમાં કામ કરતો હોવાથી તેને નેવલ ડૉકમાં જવા મળતું હતું અને એ નેવીની શિપ પર પણ જઈને કામ કરતો હતો. આ કેસમાં ATSએ તે વ્યક્તિ સહિત કુલ ૩ જણ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચલાવી રહી છે.