પાકિસ્તાન સાથે વાતચીત કરો, નહીં તો કાશ્મીરની દશા ગાઝા જેવી થશેઃ ફારુક

27 December, 2023 10:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમણે ભારત સરકાર પર પાડોશી પાકિસ્તાનની સાથે વાતચીત કરવાની અપીલ કરી છે. સાથે જ વાતચીતમાં વિલંબ કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા પણ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સના એમપી ફારુક અબદુલ્લાએ વધુ એક વખત પોતાનું પાકિસ્તાનતરફી વલણ છતું કર્યું છે. તેમણે ભારત સરકાર પર પાડોશી પાકિસ્તાનની સાથે વાતચીત કરવાની અપીલ કરી છે. સાથે જ વાતચીતમાં વિલંબ કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા પણ કરી છે.

અબદુલ્લાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે દોસ્ત બદલી શકાય છે, પરંતુ પાડોશી બદલી ના શકાય. જો આપણે આપણા પાડોશીઓની સાથે મિત્રતાભર્યા સંબંધો રાખીશું તો બંને પ્રગતિ કરીશું. પીએમ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે અત્યારે યુદ્ધ વિકલ્પ નથી અને વાતચીત દ્વારા જ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ.’
તેમણે વધુ કહ્યું હતું કે ‘નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અમે ભારતની સાથે વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ આપણે કયા કારણસર વાતચીત કરવા તૈયાર નથી? જો આપણે વાતચીત દ્વારા ઉકેલ નહીં લાવીએ તો આપણી પણ એવી જ દશા થશે કે જે આજે ગાઝા અને પૅલેસ્ટીનની છે, જેના પર ઇઝરાયલ બૉમ્બ વરસાવી રહ્યું છે.’  

national news jammu and kashmir new delhi farooq abdullah