✕

જમતી વખતે મમ્મી રોજ પપ્પાના ખોળામાં બેસતી હતી

18 November, 2026 12:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી મમ્મી-પપ્પાના પ્રેમનું વર્ણન કરવામાં મજાકનો વિષય બન્યા

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી મમ્મી-પપ્પાના પ્રેમનું વર્ણન કરવામાં મજાકનો વિષય બન્યા

આવાં વિધાનથી સોનિયા ગાંધી શરમાઈ ગયાં, પોતાની મમ્મીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા બદલ આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ મજાક ઉડાવતાં કહ્યું કે આ પ્રોડક્ટ હવે લૉન્ચ કે રી-લૉન્ચ કરવા લાયક બચી જ નથી

નવી દિલ્હીમાં સોનિયા ગાંધીનાં સંસ્મરણો પર આધારિત પુસ્તક `બિલૉન્ગિંગ : અ જર્ની ઑફ લવ`ના વિમોચન પ્રસંગે રાહુલ ગાંધીએ મંચ પરથી પોતાના બાળપણની કેટલીક યાદો તાજી કરી હતી અને પિતા રાજીવ ગાંધી તથા માતા સોનિયા ગાંધીના સંબંધોનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘જમવાના સમયે તેમનાં માતા અવારનવાર તેમના પિતાના ખોળામાં બેસી જતાં હતાં. હું આ બાબતને એકદમ સામાન્ય માનતો હતો, પણ જ્યારે હું દોસ્તોના ઘરે ગયો ત્યારે આવું નહોતું થતું. હું પૂછતો કે કેમ તારાં મમ્મી પપ્પાના ખોળામાં બેસીને નથી જમતાં?’

રાહુલ ગાંધીએ મંચ પરથી આ વાત શૅર કરી ત્યારે સોનિયા ગાંધી થોડાં ઝંખવાણાં પડી ગયાં હતાં. આ ઘટનાની વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, જેને શૅર કરીને આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધીની મજાક ઉડાવી છે.

માતા-પિતાના સંબંધો વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની વચ્ચે ખૂબ જ ઊંડું ભાવનાત્મક જોડાણ હતું. તેમણે યાદ કરતાં જણાવ્યું હતું કે પરિવાર સાથે જમતી વખતે પિતા ખુરસી પર બેઠા હોય અને માતા તેમના ખોળામાં બેઠાં હોય એ તેમના રોજિંદા પારિવારિક જીવનનો એક હિસ્સો હતો.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ મંચ પરથી કહ્યું હતું કે `રોજ જમવાના સમયે ઘરમાં પપ્પા હોય અને પપ્પાના ખોળામાં મમ્મા હોય. મને આ બધું એકદમ સામાન્ય લાગતું હતું. મને એ સમજવામાં મુશ્કેલી પડતી હતી કે મારા મિત્રોનાં માતા-પિતા આવું વર્તન કેમ નથી કરતાં. લંચ ટાઇમ હોય કે ડિનર ટાઇમ, રોજ મમ્મા પપ્પાના ખોળામાં બેસતાં હતાં.`

રાહુલ ગાંધીને પ્રોડક્ટ ગણાવીને હિમંત બિસ્વા સરમાએ કર્યો કટાક્ષ

આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધીના આ કિસ્સાનો વિડિયો પોસ્ટ કરીને તીખો કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે `માફ કરજો મૅડમ (સોનિયા ગાંધી), તે તમારા જીવનના આટલા ખાસ દિવસે પણ તમને શરમજનક સ્થિતિમાંથી બચાવી ન શક્યા. દેશને તો આ વાત ઘણા સમય પહેલાં જ સમજાઈ ગઈ હતી. આશા છે કે હવે તમને પણ સમજાઈ જશે.`

સરમાએ રાહુલ ગાંધીને `પ્રોડક્ટ` ગણાવતાં કહ્યું હતું કે `આ પ્રોડક્ટ હવે લૉન્ચ કે રી-લૉન્ચ કરવા લાયક જ બચી નથી.`

રાહુલ ગાંધીએ શિવ-પાર્વતી સાથે સોનિયા-રાજીવ ગાંધીનો ફોટો શૅર કર્યો

અઃઅંગત ક્ષણોની વાત પર BJPએ કરેલા પ્રહારોના જવાબમાં ગઈ કાલે રાહુલ ગાંધીએ મમ્મી-પપ્પાની તસવીર સાથે શિવ-પાર્વતીનો ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘ડર, ક્રોઘ અને નફરતે BJP અને RSSના સમર્થકોના દિલમાં એક એવી જાળ વણી નાખી છે જે તેમને પ્રેમ મહેસૂસ કરતાં અને વ્યક્ત કરતાં રોકે છે.’ જોકે આ પોસ્ટના જવાબમાં પણ હિમંતા બિસ્વા સરમાએ જવાબ આપ્યો હતો કે ‘સાધારણ મનુષ્યોને શિવ-પાર્વતીના રૂપમાં દેખાડવા એ ભક્તિ નથી. આ એક એવો અહંકાર છે જેમાં વ્યક્તિ જાતને જ દિવ્ય માનવા લાગે છે.’

rahul gandhi sonia gandhi rajiv gandhi himanta biswa sarma political news congress national news new delhi