હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસ સત્તારૂઢ

21 December, 2012 06:15 AM IST  | 

હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસ સત્તારૂઢ



કૉન્ગ્રેસ માટે ગુજરાતનાં પરિણામો ભારે નિરાશાજનક હોય, પણ હિમાચલ પ્રદેશમાં પાર્ટીને સેલિબ્રેશનનું કારણ મળ્યું છે. ગઈ કાલે જાહેર થયેલાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં રાજ્યની કુલ ૬૮માંથી ૩૬ બેઠકો પર કૉન્ગ્રેસની જીત થઈ છે, જ્યારે સત્તાધીશ બીજેપીએ માત્ર ૨૬ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. હિમાચલ પ્રદેશના મતદાતાઓએ ભાગ્યે જ કોઈ સત્તાધારી પાર્ટીને બીજી વખત ચાન્સ આપ્યો છે. આ વખતે પણ એવું જ બન્યું છે. કૉન્ગ્રેસના લીડર વીરભદ્રસિંહ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં આ રાજ્યમાં પાર્ટીને જીત મળી છે. બીજેપીની હારનું મહત્વનું કારણ રાજ્યમાં પાર્ટીના નેતાઓ વચ્ચે આંતરિક ડખા છે. ખુદ બીજેપીએ પણ આ વાત સ્વીકારી હતી. ગઈ કાલે પરિણામો જાહેર થયા બાદ મુખ્ય પ્રધાન અને બીજેપીના નેતા પ્રેમકુમાર ધુમલે હાર સ્વીકારી હતી. ધૂમલ પોતે હમીરપુર બેઠક પરથી જીત્યા હતા.

અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર કૉન્ગ્રેસ અને બીજેપીના પાંચ ઉમેદવારો આ ચૂંટણીમાં જીત્યા છે, જ્યારે બીજેપીના અસંતુષ્ટ નેતા દ્વારા શરૂ કરવામાં આવેલી હિમાચલ લોકહિત પાર્ટીએ એક બેઠક મેળવી હતી. ૨૦૦૭ની ચૂંટણીમાં બીજેપીએ ૪૧ બેઠકો સાથે સ્પષ્ટ બહુમત મેળવ્યો હતો, જ્યારે કૉન્ગ્રેસને માત્ર ૨૩ બેઠકો જ મળી હતી.

રાજ્યમાં કૉન્ગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા ૭૮ વર્ષના વીરભદ્રસિંહની રહી છે. પાંચ વખત હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા વીરભદ્રસિંહ પોતે શિમલા (રૂરલ) બેઠક પરથી જીતી ગયા છે. તેમના આક્રમક પ્રચાર અભિયાનને કારણે રાજ્યમાં કૉન્ગ્રેસની જીત સરળ બની હતી. ચૂંટણી અગાઉ બીજેપીએ વીરભદ્રસિંહ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. જોકે હવે કૉન્ગ્રેસની જીત બાદ વીરભદ્રસિંહ છઠ્ઠી વખત રાજ્યના મુખ્ય પ્રધાન બને એવા ચાન્સ છે. ગઈ કાલે તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનપદનો નિર્ણય કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી લેશે. કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાનપદના દાવેદારોમાં અત્યારે વિપક્ષના નેતા વિદ્યા સ્ટોકનું નામ આગળ છે. તેઓ થીયગ બેઠક પરથી જીત્યા છે. આ ચૂંટણીમાં કૉન્ગ્રેસે કુલ ૨૨ બેઠકો બીજેપી પાસેથી આંચકી લીધી છે, જ્યારે બીજેપીએ માત્ર સાત બેઠકો કૉન્ગ્રેસ પાસેથી મેળવી છે.

કઈ રીતે સત્તા ગુમાવી?


હિમાચલ પ્રદેશમાં બીજેપીના વોટ તોડવામાં હિમાચલ લોકહિત પાર્ટીના નેતા મહેશ્વર સિંહે મોટી ભૂમિકા ભજવી હતી. બીજેપીના આ બળવાખોર નેતાએ કુલ ૩૬ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને એમાંથી માત્ર તેઓ પોતે જ જીત્યા હતા, જ્યારે અન્ય તમામ ઉમેદવારો હારી ગયા હતા. બીજેપીની હાર વિશે પ્રતિક્રિયા આપતાં પાર્ટીના સિનિયર નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન તરીકે પ્રેમકુમાર ધુમલની કામગીરી સારી હતી, પણ આ વખતે પાર્ટીમાં ઘણા બળવાખોર નેતાઓ હતા. જો અમે અસંતોષ નાથી શક્યા હોત તો જીત શક્ય બની હોત.’

હિમાચલ પ્રદેશનું રિઝલ્ટ (કુલ બેઠકો ૬૮)


કૉન્ગ્રેસ

૩૬

બીજેપી

૨૬

અન્ય