૧૧ જણ ફસાયા છતાં આવી બેદરકારી

21 June, 2022 08:29 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

હિમાચલ પ્રદેશમાં હવામાં અધવચ્ચે ૧૧ જણ ફસાયા હતા. પરંતુ કેબલ કારના સંચાલકોએ તેમની ખૂબ જ અવગણના કરી. આખરે મીડિયાને કેબલ કારમાંથી વિડિયો મોકલાયા બાદ રેસ્ક્યુ ઑપરેશન શરૂ થયું

હિમાચલ પ્રદેશના સોલાન જિલ્લામાં પરવાળુ ટિમ્બર ટ્રેઇલ ખાતે ગઈ કાલે હવામાં અધવચ્ચે એક કેબલ કાર અટકી જતાં ૧૧ જણ ફસાયા બાદ કેબલ કારમાંથી એક વ્યક્તિનું રેસ્ક્યુ થઈ રહ્યું છે.

હિમાચલ પ્રદેશના સોલાન જિલ્લામાં પરવાળુ ટિમ્બર ટ્રેઇલ ખાતે હવામાં અધવચ્ચે એક કેબલ કાર અટકી જતાં ૧૧ જણ ફસાયા હતા. સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ અગિયાર ટૂરિસ્ટ્સને બચાવી લેવામાં આવ્યા છે.

પરવાળુના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પ્રણવ ચૌહાણે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. રેસ્ક્યુ કરાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તમામ ૧૧ ટૂરિસ્ટ્સ દિલ્હીના હતા.

સોલાનના એસપી વીરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આ લોકોના રેસ્ક્યુ માટે બીજી એક કેબલ કાર ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પહેલાં સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ડિરેક્ટર સુદેશ મોખતાએ જણાવ્યું હતું કે કેબલ કારમાં કોઈ ટેક્નિકલ ખામીના કારણે ટિમ્બર ટ્રેઇલમાં કેટલાક લોકો ફસાયા છે.

આ કેબલ કારમાંથી રેસ્ક્યુ કરાયેલા દિલ્હીના આનંદ ગોયલે કહ્યું હતું કે ‘કેબલ કારનું સંચાલન કરતાં અધિકારીઓએ ખૂબ જ કૅઝ્યુઅલ અપ્રોચ દાખવ્યો હતો. આ કેબલ કારમાં તેમને આંચકો લાગ્યો હતો. થોડી જ વારમાં કેબલ કાર અટકી ગયા બાદ અધિકારીઓને કૉલ કર્યો તો તેમણે કહ્યું કે પૅનલમાં ગરબડ થઈ હશે, અમે તપાસ કરીએ છીએ.

જોકે પોણો કલાક સુધી કોઈ જ કામગીરી ન થઈ. બાદમાં આ અધિકારીઓનો ફોન પણ સ્વિચ્ડ ઑફ આવતો હતો. એટલે કેબલ કારમાં રહેલા કેટલાક લોકોએ નેટ પરથી મીડિયામાં કામ કરતા  કેટલાક લોકોના નંબર્સ શોધ્યા હતા. તેમણે કેબલ કારમાંથી વિડિયો બનાવીને તેમને મોકલ્યા અને આખરે રેસ્ક્યુ ઑપરેશન શરૂ થયું હતું.’ 

national news himachal pradesh