હિમાચલમાં બીજેપીની હારનાં આ રહ્યાં પાંચ મુખ્ય કારણ

09 December, 2022 10:51 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

હિમાચલ પ્રદેશે રાજ બદલવાના એના રિવાજને વળગી રહીને કૉન્ગ્રેસને વિજેતા બનાવી

નવી દિલ્હીમાં ગઈ કાલે કૉન્ગ્રેસના મુખ્યાલયમાં હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસની જીતના સેલિબ્રેશન માટે ફટાકડા ફોડી રહેલો કૉન્ગ્રેસનો કાર્યકર

હિમાચલ પ્રદેશે રાજ બદલવાના એના રિવાજને વળગી રહીને કૉન્ગ્રેસને વિજેતા બનાવી છે. છેલ્લા ચાર દશકથી આ રાજ્યમાં સત્તા બીજેપી અને કૉન્ગ્રેસની વચ્ચે શિફ્ટ થતી રહી છે, બેમાંથી કોઈ પણ પાર્ટીને સળંગ બીજી મુદત મળી નથી. જોકે આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના પરાજય માટે જવાબદાર પાંચ પરિબળો પર એક નજર કરીએ.

બળવાખોરી
હિમાચલ પ્રદેશમાં ઉમેદવારોનાં નામની જાહેરાત બાદ સૌથી વધુ બળવો બીજેપીમાં થયો હતો. બીજેપીના ૨૧ નેતાઓ બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા. કેટલાક કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ જતા રહ્યા હતા, જેના કારણે બીજેપીની વોટ બૅન્કમાં ગાબડું પડ્યું હતું જેનો ફાયદો કૉન્ગ્રેસને થયો.

સ્થાનિક નેતાઓથી નારાજગી
સ્થાનિક નેતાઓ અને પ્રધાનોને લઈને લોકોમાં ખૂબ જ નારાજગી હતી. બીજેપીના કેટલાક ઉમેદવારો પર પરિવારવાદનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

મોંઘવારી 
કોરોનાની મહામારી બાદ પ્રવાસન ઉદ્યોગને ખૂબ જ અસર થઈ. હિમાચલ પ્રદેશમાં આવકનો મુખ્ય સોર્સ ટૂરિઝમ છે. કોરોનાની મહામારી બાદ ટૂરિઝમ સેક્ટર ફરી બેઠું થયું ત્યાં જ લોકો મોંઘવારીથી પરેશાન થયા, જેના કારણે લોકોમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રત્યે ખૂબ જ નારાજગી હતી.

કૉન્ગ્રેસનાં લોભામણાં વચનો
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને અનુસરીને કૉન્ગ્રેસે અનેક લોભામણાં વચનો આપ્યાં છે. જેમ કે જૂની પેન્શન યોજનાને લાગુ કરવાથી લઈને ૩૦૦ યુનિટ વીજળી ફ્રી, સ્કૂલોની સારી સ્થિતિ અને ટૂરિઝમ સેક્ટરને પ્રમોટ કરવાનાં વચનો સામેલ છે.

બીજેપી પાસે નેતૃત્વનો અભાવ
બીજેપીની પાસે નેતૃત્વનો અભાવ જોવા મળ્યો હતો. મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર લોકોમાં ખાસ લોકપ્રિય નથી રહ્યા. બીજેપીનો દારોમદાર માત્રને માત્ર મોદી મૅજિક પર જ હતો. 

national news himachal pradesh bharatiya janata party congress