03 November, 2026 02:55 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
નેપાલના ડોલ્પા જિલ્લામાં ભારે હિમવર્ષા થતાં ૬ ભારતીય પ્રવાસીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન અર્નબની અસરથી નેપાલના ઉચ્ચ હિમાલયી વિસ્તારોમાં હવામાન અત્યંત ખરાબ થઈ ગયું છે. નેપાલના ડોલ્પા જિલ્લામાં ભારે હિમવર્ષા થતાં ૬ ભારતીય પ્રવાસીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ગુમ થયેલા આ પ્રવાસીઓમાં બે મહિલા અને ૪ પુરુષનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ તમામ પ્રવાસીઓ શેય-ફોક્સુંડો સરોવર તરફ પાછા ફરી રહ્યા હતા. સ્થાનિક ગાઇડ દ્વારા અગાઉથી જ ભારે હિમવર્ષા વિશે ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેઓ આગળ વધ્યા હતા. બાગલા પાસ નજીક તેઓ બરફમાં ફસાયા હોવાની આશંકા છે. આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની કોઈ જ સુવિધા ન હોવાથી તેમની ભૌગોલિક સ્થિતિ વિશે જાણવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
ડોલ્પાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (DSP) અનિલરાજ ગિરિએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની શોધખોળ માટે નેપાલી સેનાની ટીમને તહેનાત કરવામાં આવી છે અને બચાવ-કામગીરી માટે હેલિકૉપ્ટરની માગણી કરવામાં આવી છે. વર્તમાન આંકડા મુજબ ડોલ્પા વિસ્તારમાં કુલ ૨૪૪ પ્રવાસીઓ હાજર છે. વહીવટી તંત્રે તમામ પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવાની અને સુરક્ષિત સ્થળોએ જ રોકાવાની તાકીદ કરી હતી.