કેરલામાં વરસાદનો તરખાટ : બે ડૅમના દરવાજા ખોલવામાં આવ્યા

22 May, 2022 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેરલામાં ભારે વરસાદના કારણે સ્થિતિ​ ચિંતાજનક છે.

આસામના નાગાંવ જિલ્લામાં રાહા ખાતે ગઈ કાલે પૂરગ્રસ્ત વિસ્તારમાં આર્મીનું વાહન ફસાઈ ગયું હતું.

તિરુવનંતપુરમ (પી.ટી.આઇ.) : કેરલામાં ભારે વરસાદના કારણે સ્થિતિ​ ચિંતાજનક છે. ભારતીય હવામાન વિભાગે કેરલાના ઓછામાં ઓછા દસ જિલ્લામાં આજના માટે પણ યલો અલર્ટ ઇશ્યુ કરી છે. ઇદુક્કી જિલ્લાના વહીવટી તંત્રે વધારે પાણીના નિકાલ માટે કલ્લરકુટ્ટી અને પમ્બલા બંધના દરવાજા ખોલ્યા હતા. 
હવામાન વિભાગે રાજ્યના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટયામ, એર્નાકુલમ, ઇદુક્કી, થ્રિસુર, મલપ્પુરમ અને કોઝિકોડે જિલ્લાઓ માટે યલો અલર્ટ જારી કરી છે. 
રેડ અલર્ટ એટલે કે ૨૪ કલાકમાં ૨૦ સેન્ટિમીટરથી વધુનો અત્યંત ભારે વરસાદ, જ્યારે ઑરેન્જ અલર્ટ એટલે કે ૬ સેન્ટિમીટરથી લઈને ૨૦ સેન્ટિમીટર જેટલો ખૂબ જ ભારે વરસાદ. યલો અલર્ટ એટલે કે ૬થી ૧૧ સેન્ટિમીટરનો ભારે વરસાદ. બીજી તરફ આસામના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ અને ભેખડો ધસી પડવાના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અનુસાર પૂર અને ભેખડો ધસી પડવાના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૧૪ થઈ છે. રાજ્યના ૨૯ જિલ્લાઓમાં ૭.૧૨ લાખ લોકોને અસર થઈ છે.

national news kerala