કેરલામાં વરસાદે લીધો બે જણનો ભોગ, પાંચ જિલ્લામાં રેડ અલર્ટ

17 October, 2021 11:33 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

આવતી કાલે ભારે વરસાદ પડવાની તથા ત્યાર બાદના દિવસે વરસાદમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી

કેરલામાં ગઈ કાલે ભારે વરસાદ પડ્યો હતો અને એને કારણે ઘણે ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. કોટ્ટાયમમાં રસ્તા પર ભરાયેલાં પાણીમાં આખી બસ ડૂબી ગઈ હતી. (તસવીર : પી.ટી.આઈ.)

કેરલા રાજ્યના વિવિધ ભાગોમાં સતત વરસાદ વચ્ચે ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) ગઈ કાલે રાજ્યના પાંચ જિલ્લામાં રેડ અલર્ટ, સાત જિલ્લામાં ઑરેન્જ અલર્ટ અને બે જિલ્લામાં યલો અલર્ટ જાહેર કર્યા છે. આ દરમિયાન, ભારે વરસાદને લીધે ભેખડ ધસી પડવાના બનાવમાં બે લોકોનું મૃત્યુ થયું હતું.

આઇએમડીએ જાહેર કરેલી અખબારી યાદી મુજબ પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિશૂર જિલ્લામાં રેડ અલર્ટ જ્યારે કે તિરુવનંતપુરમ, કોલ્લમ, આલાપુઝા, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.

કેરલાના દરિયાકાંઠે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણવાળા વિસ્તારના પ્રભાવ હેઠળ, કેરલામાં આજ સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના આ અખબારી યાદીમાં વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં આવતી કાલે ભારે વરસાદ પડવાની તથા ત્યાર બાદના દિવસે વરસાદમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

દરમિયાન, કેરલાના મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી પણ આગામી ૨૪ કલાક માટે હાઈ અલર્ટ ચેતવણી જાહેર કરાઈ હતી તથા નાગરિકોને કોઈ પણ કારણસર જળાશયોમાં પ્રવેશ ન કરવા સૂચિત કરાયા હતા.

national news kerala