આંધ્ર પ્રદેશમાં મેઘરાજાનો પ્રકોપ, અત્યાર સુધીમાં 17 લોકોના મોત, 100 લાપતા

20 November, 2021 12:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારેથી અતિભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે. 

પ્રતીકાત્મક તસવીર

આંધ્ર પ્રદેશ (Andhra pradesh)માં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. મળતી માહિતી મુજબ ભારેથી અતિભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે. 

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ (Heavy Rainfall)ને કારણે અહીં હાલત ખરાબ છે. ઘણા વિસ્તારોમાં મકાનો ધરાશાયી થયાના અહેવાલ છે. મોડી રાત્રે ભારે વરસાદના કારણે અનંતપુર જિલ્લાના કાદરી વિસ્તારમાં જૂની ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં ત્રણ બાળકો અને એક વૃદ્ધ મહિલાના મોત થયા હતા. બિલ્ડિંગના કાટમાળ નીચે હજુ ચારથી વધુ લોકો ફસાયેલા છે. બચાવ કામગીરી ચાલુ છે. સર્કલ ઈન્સ્પેક્ટર સત્યબાબુએ શનિવારે આ માહિતી આપી હતી.


જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો તિરુપતિના ટેમ્પલ ટાઉનનો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે પૂરના કારણે સેંકડો લોકો ફસાયેલા છે. તિરુપતિની સીમમાં આવેલી સ્વર્ણમુખી નદીમાં પૂર આવ્યું છે અને જળાશયો છલકાઈ ગયા છે. પૂરમાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ઘાટ રોડ અને તિરુમાલા હિલ્સ તરફના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિને સંભાળવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.


પૂરને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓને નુકસાન થયું છે અને રેલ, રોડ અને એર ટ્રાફિકને અસર થઈ છે. રાયલસીમા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. રાજ્યના ચિત્તૂર, કુરનૂલ અને અનંતપુર જિલ્લાઓ પ્રભાવિત થયા છે. જણાવી દઈએ કે ગુરુવારથી વરસાદ બંધ થયો નથી અને ચેયુરુ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ કારણે કુડ્ડાપાહ એરપોર્ટને 25 નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

national news andhra pradesh