ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીએ વધુ ચારનો ભોગ લીધો : કારગિલ માઇનસ ૧૫.૪ ડિગ્રી

27 December, 2012 06:29 AM IST  | 

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીએ વધુ ચારનો ભોગ લીધો : કારગિલ માઇનસ ૧૫.૪ ડિગ્રી

દિલ્હીમાં કાલે લઘુતમ તાપમાન ૭.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીરમાં કાલે દિવસ દરમ્યાન કેટલીક જગ્યાએ તડકો નીકળ્યો હતો પણ રાત્રે તાપમાનમાં જોરદાર ઘટાડો થયો હતો. કારગિલ ૧૫.૪ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ હતું જ્યારે શ્રીનગરમાં માઇનસ ૨.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આવનારા દિવસોમાં કાશ્મીરમાં ભારે હિમવર્ષાની આગાહી કરી છે. કાલે પંજાબના હોશિયારપુરમાં ઠંડીને કારણે એકનું મોત થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશમાં ત્રણનાં મોત થયાં હતા. આ સાથે ઠંડીને કારણે વધુ ચાર લોકોનાં મોત થયાં હતાં. ગઈ કાલ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં કાલે સામાન્ય કરતાં છથી ૧૧ ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું. કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. જોકે દિલ્હીમાં કાલે ઍરર્પોટ પર ધુમ્મસની અસર ઓછી જોવા મળતાં વિમાનોની અવરજવર સામાન્ય થઈ હતી, પણ સંખ્યાબંધ ટ્રેનોને અસર પહોંચી હતી. હિમાચલ પ્રદેશમાં પણ કાલે કૉલ્ડ વેવ યથાવત્ રહી હતી.

ગુજરાતમાં કોલ્ડ વેવની અસર શરૂ તાપમાન એકથી અઢી ડિગ્રી ઘટ્યું


ઉત્તરીય પવનોને કારણે ગુજરાતમાં શરૂ થયેલા કોલ્ડ વેવની અસર યથાવત્ રહેતાં ગઈ કાલે પણ ગુજરાતમાં ઠંડીનો વધારો થયો હતો. ગઈ કાલે સતત બીજા દિવસે પણ ગુજરાતનું લઘુતમ તાપમાન એકથી અઢી ડિગ્રી જેટલું ઘટ્યું હતું, જેને કારણે ગુજરાતનું ઍવરેજ મિનિમમ ટેમ્પરેચર ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘ઠંડીનો આ ઘટાડો હજીયે અકબંધ રહેશે અને એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું ઍવરેજ મિનિમમ ટેમ્પરેચર ૧૦થી ૧૧ ડિગ્રીની આસપાસ પહોંચે એવી શક્યતા છે.’

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. નલિયાનું લઘુતમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે જૂનાગઢમાં ૯.૧, જામનગરમાં ૯.૭, સુરેન્દ્રનગરમાં ૯.૯, ડીસામાં ૧૦.૫, વલસાડમાં ૧૦.૬, કંડલામાં ૧૧, વડોદરામાં ૧૧.૨, અમરેલીમાં ૧૧.૮, અમદાવાદમાં ૧૨.૨, ભાવનગરમાં ૧૩.૪, ભુજમાં ૧૪.૪, રાજકોટમાં ૧૫.૧ અને સુરતમાં ૧૮.૮ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું. ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન ઘટ્યું હતું.