રાજસ્થાનમાં ભારે વરસાદ મૃત્યુઆંક વધીને ૨૭ થયો

24 August, 2012 06:22 AM IST  | 

રાજસ્થાનમાં ભારે વરસાદ મૃત્યુઆંક વધીને ૨૭ થયો

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગઈ કાલે રેકૉર્ડ બ્રેક વરસાદ પડ્યો છે એ સાતે જિલ્લામાં રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. રાજ્યમાં વરસાદને કારણે સૌથી વધુ ૧૦ લોકોનાં મોત જયપુર જિલ્લામાં થયાં છે. આ ઉપરાંત સિકરમાં ચાર, ભીલવાડામાં ત્રણ, અલવર અને દૌસામાં બે તથા ચુરુ, ભરતપુર, ઝુંઝનુ અને ટોંકમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જયપુર શહેરમાં નેહરગઢ, ગાલ્ટા ગેટ, સુભાષ ચોક, ભટ્ટા બસ્તી સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયાં હતાં.

ગુજરાતમાં વરસાદ લાવે એવી સિસ્ટમ વધુ એક વખત થઈ ફેલ

ગુજરાતમાં પ્રવર્તી રહેલા સાઇક્લૉનિક પ્રેશરને કારણે ગઈ કાલે ગુજરાતના ૧૩૯ તાલુકામાં હળવાં ઝાપટાંથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે આ સાઇક્લૉનિક પ્રેશર પણ ઓસરવું શરૂ થઈ ગયું હોવાથી હવે વધુ વરસાદની સંભાવના નહીંવત્ થઈ ગઈ છે. ગુજરાતના હવામાન વિભાગના સિનિયર ઓફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘વધુ એક વાર સિસ્ટમ ફેલ ગઈ છે.’

ગઈ કાલે સૌથી વધુ વરસાદ વડોદરા પાસે આવેલા છોટાઉદેપુરમાં એક ઇંચ પડ્યો હતો; જ્યારે વેરાવળમાં અડધો, કંડલામાં અડધો, વલ્લભવિદ્યાનગરમાં પોણો, મહુવામાં અડધો, અમદાવાદમાં અડધો, વલસાડમાં પોણો, ઈડરમાં પોણો અને જામનગરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.