03 November, 2026 10:19 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનચોરીના આરોપો સંબંધિત અરજીઓનો નિકાલ કર્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે આ કેસમાં જુડિશ્યલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પછી ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સંબંધિત મૅજિસ્ટ્રેટને કાયદા અનુસાર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ વિશે દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી બંધ કરી દીધી છે.
આ મુદ્દે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે અરજદારોને કહ્યું હતું કે ‘અમે તમને સિવિલ કોર્ટમાં જવાની પરવાનગી આપી છે. તમે એનો સદુપયોગ કરજો, દુરુપયોગ કરશો નહીં.’
સુપ્રીમ કોર્ટમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જાણકારી આપી હતી કે ‘ઉત્તર પ્રદેશ પોલીસની SIT આ કેસમાં તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં જુડિશ્યલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.’
SITની તપાસમાં જાણવા મળ્યું છે કે મંદિરમાં દાન અને રોકડ રકમની ગણતરી વખતે ચોરી કરવામાં આવતી હતી. જે લોકોએ ચોરી કરી હતી તેમણે નાણાં બૅન્કમાં જમા કરાવ્યાં છે અથવા સંપત્તિ ખરીદી છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે દાનચોરીમાં સંકળાયેલા કેટલાક કર્મચારીઓએ મોટા પ્રમાણમાં સંપત્તિ ખરીદી હતી. એક કર્મચારીએ પચાસ લાખ રૂપિયાની સંપત્તિ ખરીદી હતી અને એમાં ૧૫ લાખ રૂપિયા બૅન્ક-અકાઉન્ટથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને બાકીની રકમ રોકડથી આપવામાં આવી હતી.